- ETV BHARAT દ્વારા હેલ્પલાઇનમાં આપવામાં આવતા જવાબો અંગે રિયાલિટી ચેક
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હેલ્પલાઇન પર જવાબ
- ખાનગી હોસ્પિટલમાં કોઈ ફોન ઉપાડતું નથી
રાજકોટ : જિલ્લામાં કોરોનાના કારણે ઘણા લોકોને મૃત્યુ થયા છે. જ્યારે રાજકોટમાં હજબ પણ ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેના બેડ પણ દર્દીઓને નથી મળી રહ્યા, ત્યારે વહીવટી તંત્ર દ્વારા રાજકોટમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ માટે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital ) તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જેને લઈને રાજકોટમાં ETV BHARAT દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital )માં દર્દીઓ અથવા તેમના સ્વજનોને વ્યવસ્થિત જવાબ આપવામાં આવી રહ્યા છે. જ્યાં ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાઓના ફોન પણ નથી ઉપાડવામાં આવી રહ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં કોવિડ માટે બેડ મળી જશે
ETV BHARAT દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital )માં શરૂ કરવામાં આવેલા કોવિડ વિભાગના હેલ્પલાઈન નંબર પર કરવામાં આવ્યો હતો. તેમજ પૂછવામાં આવ્યું હતું કે, હાલ અમારા દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી છે, તો બેડ મળી શકે છે. જ્યારે સામેથી ફોન પર જવાબ આવ્યો હતો કે, હા તમે એક વાર દાખલ થાવ એટલે તમને બેડ મળી જશે. જ્યારે અમે ઓક્સિજન માટેના બેડ અંગેનું પૂછ્યું તો એમ કહેવામાં આવ્યું કે, તમારા પેસન્ટ દાખલ થાય ત્યારબાદ ડૉક્ટર દ્વારા જો તેમને ઓક્સિજનની જરૂરિયાત હશે, તો તેમને ઓક્સિજન બેડ આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો -બેડ ઉપલબ્ધતા હેલ્પ લાઇનને લઈ સુરત મનપાનો પોકળ દાવો ETV Bharatએ કર્યો પર્દાફાશ
ખાનગી હોસ્પિટલમાં વ્યવસ્થિત જવાબ મળ્યો નહીં
ETV BHARAT દ્વારા રાજકોટની નામાંકિત ખાનગી હોસ્પિટલમાં ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ આ હોસ્પિટલમાં કોઈએ ફોન જ ઉપાડ્યો ન હતો. જ્યારે ETV BHARAT દ્વારા બીજી ખાનગી હોસ્પિટલમાં ફોન કરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે, અમારા પેશન્ટને અત્યારે કોરોનાની સારવારની જરૂર છે, ત્યારે ખાનગી હોસ્પિટલ દ્વારા હાલ બેડ હોવાનું જણાવ્યું હતું, પરંતુ અમને ઓક્સિજન સાથેના બેડની જરૂર છે, ત્યારે તેમણે ETV BHARATને ડૉક્ટરને પુછીને ફોન કરશે, તેમ જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેમનો કોઇ ફોન આવ્યો ન હતો.
ડેપ્યુટી કલેક્ટરે અન્ય હેલ્પલાઈન નંબર પર ફોન કરવા જણાવ્યું
રાજકોટમાં ખાનગી હોસ્પિટલના હેલ્પલાઇન નંબર પર જવાબ આપતા ન હોવાની વાત ડેપ્યુટી કલેક્ટર પરિમલ પંડયાને ETV BHARAT દ્વારા જણાવવામાં આવતા તેમને અન્ય હેલ્પલાઇન નંબર પર ફોન કરવામાં જણાવ્યું હતું. તેમજ તેમને ડાયરેક્ટ ખાનગી હોસ્પિટલમાં ફોન ન કરવાની વાત કરી હતી. જ્યારે હાલ રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં બેડ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ. જેમાં દર્દીઓને ઓનલાઈન બેડ અંગેની માહિતી મળી શકે છે.