જૂનાગઢ:રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોતાના કૃષિ પાકો બચાવવા માટે પશુ અને અન્ય પ્રાણીઓથી રક્ષણ મળે તે માટે ખેતરની ફરતે કાંટાળી તાર યોજનામાં સહાય આપવાની જાહેરાત કરી હતી. આ યોજના આજથી 30મી ડિસેમ્બર સુધી ખેડૂત પોર્ટલ પર ખુલ્લી રહેવાની હતી. પરંતુ આજે ખેડૂત પોર્ટલ પર કાંટાળી તાર યોજના ખુલ્યાના માત્ર 20 મિનિટ બાદ જ ખેડૂત પોર્ટલ પર આ યોજના બંધ થઈ ગઈ હતી.
'તાર ફેન્સીંગ યોજના' સહાય માટે ખેડૂત પોર્ટલમાં જોવા મળી ધાંધલી, 20 મિનિટમાં પોર્ટલ થયું બંધ - khedut portal
રાજ્ય સરકાર દ્વારા ખેતરને ફરતે કાંટાળી તાર બનાવવા માટેની સહાયક યોજના આજથી શરૂ કરી હતી. આ યોજના 30મી ડિસેમ્બર સુધી ખેડૂત પોર્ટલ પર ખુલ્લી રહેવાની હતી પરંતુ આજે યોજના શરૂ થયાના 20 મિનિટ બાદ જ પોર્ટલ પર યોજના બંધ થઈ ગયેલી જોવા મળી હતી.
Published : Dec 8, 2023, 5:36 PM IST
બે હેક્ટરની મર્યાદામાં સહાયની જાહેરાત: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બે હેક્ટર વિસ્તારમાં તારની વાડ બનાવવા માટે રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા થનાર કુલ ખર્ચના 50 ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવાની યોજના બનાવી હતી. ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ જે તે જિલ્લાને ફાળવેલા લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે તેવી યોજના બની હતી. પરંતુ આજે યોજના શરૂ થયાના 20 મિનિટ બાદ જ આ ખેડૂત પોર્ટલ પર યોજના બંધ થઈ ગયેલી જોવા મળી હતી. જેને લઈને ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.
ચોક્કસ વિસ્તારને આધારે સહાય આપવા ખેડૂતોની માંગ:જે વિસ્તારમાં કાંટાળી તારની ખૂબ જ આવશ્યકતાઓ છે તેવા વિસ્તારને ચોક્કસ તારવીને અલગ કરીને તે જે તે વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને કાંટાળી તારની સહાય સરકાર આપે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. ગીર વિસ્તારના ગામોમાં કાંટાળી તારની સૌથી પહેલા જરૂરિયાત હોય છે. ત્યારે તમામ વિસ્તારને એક જ સમયે મહત્વ આપીને જે વિસ્તારમાં કાંટાળી તારની જરૂરિયાત ખૂબ ઓછી છે તેવા જિલ્લાને દૂર કરીને અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતોને આ યોજના હેઠળ આવરી શકાયા હોત. પરંતુ રાજ્યની સરકારે સમગ્ર રાજ્યમાં એક સમાન ધોરણે આ યોજના લાગુ કરી છે જેનો વિરોધ પણ ખેડૂતોમાં જોવા મળે છે.