રાજકોટ:રાજકોટના વીછિંયા તાલુકામાં એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તાંત્રિકવિધિમાં પતિ-પત્નીએ હવનકુંડમાં પોતાની આહુતિ આપી હતી. એટલું જ નહીં, અંધશ્રદ્ધામાં ભરેલા પગલાં અંગેની વિગત પણ સુસાઈડ નોટમાં આપી હતી. બંનેની બે પાનાની સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં પત્નીએ અંગૂઠો કર્યો હતો અને પતિએ સહી કરી હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવવા મૃતદેહને રાજકોટ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
શું બની ઘટના?:પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના વિંછીયા મોઢુકા રોડ પર ભોજાભાઈ મકવાણાની વાળીએ તેમના પુત્ર અને પુત્રવધૂએ અંધશ્રદ્ધામાં પોતાની જાતે જ બલી ચડાવી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભોજાભાઈના પુત્ર હેમુભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ પોતાની જાતે જ બલી ચડાવી તેમના માથા હવનકુંડમાં હોમી દીધા હતા.બલી ચડાવતાં પહેલાં તેમના સગીરવયના દીકરા-દીકરીને મામાના ઘરે મૂકી આવ્યા હતા અને બાદમાં પૂજાવિધિનો સામાન લઈને ખેતર જતા રહ્યા હતા.
સુસાઈડ નોટ મળી આવ્યા:ઘટના સ્થળેથી બંનેની સુસાઈડ નોટ ઉપરાંત 50 રૂપિયાનું એક સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યું છે. હેમુભાઈ અને હંસાબેન મકવાણા નામના આ દંપતીએ એક રીતે અંધશ્રદ્ધામાં તાંત્રિકવિધિના નામે આપઘાત કર્યો છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે કમલપૂજા કરવાનું કારણ શું છે? શું કોઈએ તેઓને તાંત્રિક વિધિ કરવા માટે ઉશ્કેર્યા હતા? કયા ઉદ્દેશ માટે તાંત્રિકવિધિ કરાઈ રહી હતી? શું પરિવારના અન્ય સભ્યોને તાંત્રિકવિધિની ખબર ન હતી?