રાજકોટઃ પોલીસ તપાસ દરમિયાન યુવક બેન્જો માસ્ટર હોવાનું જાણવા મળ્યું હતું અને બંને વચ્ચે 4 વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને સાથે ભજનના પ્રોગ્રામમાં જતા હતા, પરંતુ લોકડાઉનના લીધે પ્રોગ્રામ બંધ હોવાથી બંને વચ્ચે અંતર વધી જતા સજોડે ઝેરી દવા ગટગટાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી યુવક-યુવતિના ચપ્પલ મોબાઇલ તેમજ દવાની બોટલ સહિતની વસ્તુઓ મળી આવી હતી.
જસદણના પીપળીયા ગામમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા - રાજકોટ
જસદણ પંથકમાં ભજનિક અને લોક ગાયિકા તરીકે સારી એવી નામના ધરાવતી યુવતિએ અને બે સંતાનના પિતા એવા પ્રેમી સાથે શનિવારે સવારે ઝેરી દવા પી લીધી હતી. જસદણના સોમનાથ પીપળીયા ગામની ઉંમટ વિડીમાંથી બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના પગલે જસદણ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસને હાથ લાગેલી સ્યૂસાઇડ નોટમાં પણ બન્નેએ સાથે મળીને એવો ઉલ્લેખ કર્યો છે કે સાથે જીવીશું અને સાથે જ મરીશું. અમે એક થઈ શકીએ તેમ નથી, માટે આ દુનિયા છોડી દેવાનું અમારી મરજીથી નક્કી કર્યું છે. હેતલ અપરણિત હતી. જ્યારે રાજેશ પરિણીત હતો અને તેને એક દીકરો અને એક દીકરી પણ છે.
વિંછીયા તાલુકાના સોમનાથ પીપળીયા ગામે રહેતી લોકગાયિકા હેતલ રૂપાભાઈ ડાભી અને મોઢુકા ગામે રહેતો બેન્જો માસ્ટર રાજેશ પરસોત્તમભાઈ તાવીયા બંને સાથે જ ભજનના પ્રોગ્રામમાં જતા હતા, લોકડાઉનના કારણે મળવાનું શક્ય ન બનતા બંનેએ સાથે ઝેરી દવા પીને મોતને વ્હાલું કરી લીધું હતું.