રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા ASI ખુશ્બૂ કાનાબારે પોતાના પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજને સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ પોતે પણ ઓન સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ પણ મૂંજવણમાં મુકાઈ ગઈ હતી, પરંતુ FSL રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, પહેલા ખુશ્બૂએ રવિરાજની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો હતો. જો કે, પોલીસને ખુશ્બૂના રૂમમાંથી બે સર્વિસ રિવોલ્વર મળી આવી હતી, જેમં બીજી રિવોલ્વર ખુશ્બૂ સાથે જ ફરજ બજાવતાં વિવેક કુછડીયાની હોવાનું સામે આવ્યું હતું. જેથી વિવેક સામે પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં મહિલા ASIનો કોન્સ્ટેબલની હત્યા બાદ આપઘાત, એક પોલીસકર્મી સસ્પેન્ડ
રાજકોટ: શહેરમાં થોડા દિવસ પહેલા પ્રેમ પ્રકરણ મામલે મહિલા ASI ખુશ્બૂ કાનાબારે કોન્સ્ટેબલ રવિરાજ જાડેજાને સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હતો. જે મામલે પોલીસે મહિલા ASIની રૂમમાં તપાસ હાથ ધરતા વધુ એક સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. આ રિવોલ્વર ASI વિવેક કુછડીયાની હોવાનું સામે આવતા રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પોલીસ કર્મી સસ્પેન્ડ
આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વિવેકે ખુશ્બૂના ઘરે પોતાની સર્વિસ રિવોલ્વર ભૂલી ગયો હતો. જેને લઈને તેની ફરજમાં બેદરકારી સામે આવી હતી. ત્યારે સોમવારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ASI વિવેકને સસ્પેન્ડ કરાયો હતો.