રાજકોટ: રાજકોટમાં ગઈકાલે ગોંડલ રોડ ઉપર આવેલી અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યામંદિરમાં અભ્યાસ પરથી ધોરણ 8ની વિદ્યાર્થીનીનું ચાલુ ક્લાસ દરમિયાન મોત થયાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. એવામાં આ વિદ્યાર્થીનીના માતા અને સ્વજનો દ્વારા શાળા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં વહેલા બોલાવવામાં આવી રહ્યા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ શાળામાં ફરજિયાત શાળાનું જ સ્વેટર પહેરીને આવવાનું વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવે છે. જ્યારે આ પ્રકારના આક્ષેપ થતા શાળા તંત્ર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સ્કૂલનું જ સ્વેટર પહેરીને આવવા દબાણ ન કરો:ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગર નામની વિદ્યાર્થીનું મોત થયા બાદ તેની માતા જાનકી સાગરે શાળા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આવી કરતી ઠંડીમાં શાળાઓ દ્વારા સમયમાં ફેરફાર કરવો જોઈએ. જ્યારે શાળામાં આવતા વિદ્યાર્થીઓને શાળાનું જ સ્વેટર પહેરવા માટે દબાણ ન કરવું જોઈએ કારણ કે આ સ્વેટરમાં નાના બાળકોને ખૂબ જ ઠંડી લાગતી હોય છે. જેના કારણે તેને ઠંડીથી બચવા માટે કપડાં પહેરવાની છુટ પણ આપવી જોઈએ. મારી બાળકીનું માત્ર 10 જ મિનિટમાં મોત થયું છે. જ્યારે તેને હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું છે. જેના કારણે હું વિનંતી કરું છું કે શાળાઓ દ્વારા સમયમાં ફેરફાર કરવો જોઈએ. જ્યારે મારી બાળકીને કોઈપણ બીમારી હતી નહીં છતાં પણ તે મોતને ભેટી છે.
બાળકીનું ઠંડીના કારણે મોત થયું:જ્યારે 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું મોત થયા બાદ તેના સ્વજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ બાળકીનું ઠંડી લાગવાના કારણે મોત થયું છે. આ અંગે ETV ભારત સાથેની વાતચીતમાં આ વિદ્યાર્થીનીના મોટા પપ્પા એવા ચેતન સાગરે જણાવ્યું હતું કે સવારે પોણા સાત વાગ્યે આ વિદ્યાર્થીની શાળાએ ગઈ હતી અને પ્રાર્થના પત્યા બાદ તે પોતાની બહેનપણી સાથે વાતચીત કરી રહી હતી. તે દરમિયાન તે અચાનક જમીન ઉપર પડી ગઈ. ત્યારબાદ તેની સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેનું ECG કર્યું અને તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ બાળકીનું ઠંડી લાગવાના કારણે મોત થયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને વિદ્યાર્થીનીના પરીજનો લોકોને અપીલ કરી રહ્યા છે કે હાલ આ કાતિલ ઠંડીમાં પોતાના બાળકોનું ધ્યાન રાખે સાથે જ શાળા સંચાલકોને પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે શાળાનો સમય છે તે થોડો મોડો કરવામાં આવે જેના કારણે નાના બાળકોને ઠંડીમાં રક્ષણ મળી રહે.