રાજકોટ: આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે. એવામાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાજકોટની વિરાણી હાઇસ્કૂલ દ્વારા 45 ફૂટ લાંબી રાખડી તૈયાર કરવામાં આવી છે. જ્યારે આ રાખડીમાં સ્ટેશનરીની વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ રાખડી બનાવતા બે દિવસનો સમય લાગ્યો છે. ત્યારે હવે આ રાખડીમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ સ્કૂલ તંત્ર દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓ તેમજ ઝૂંપડપટ્ટીના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. રાજકોટમાં 45 ફૂટની લાંબી રાખડી હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.
RakshaBandhan 2023: રાજકોટની વિરાણી હાઇસ્કૂલના વિદ્યાથીઓએ 45 ફૂટની રાખડી તૈયાર કરી
રાજકોટની વિરાણી હાઇસ્કૂલના વિદ્યાથીઓએ 45 ફુટની રાખડી તૈયાર કરી છે. વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા પોતાની પોકેટમનીમાંથી તેમજ સીજે ગ્રુપના સહયોગથી અંદાજિત 45 ફૂટ લાંબી અને 230 સ્ક્વેરફીટ એક મેગા રાખડી બનાવવામાં આવી છે. ગઈકાલે આ રાખડીને બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
Published : Aug 29, 2023, 4:04 PM IST
"વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા પોતાની પોકેટમનીમાંથી તેમજ સીજે ગ્રુપના સહયોગથી અંદાજિત 45 ફૂટ લાંબી અને 230 સ્ક્વેરફીટ એક મેગા રાખડી બનાવવામાં આવી છે. જ્યારે આ રાખડીમાં એકત્રિત થયેલી તમામ વસ્તુઓ જેવી કે ડ્રોઈંગ બુક પેન્સિલ સ્કેચ પેન, બોલપેન, સ્કેલ , શાર્પનર, ઇરેઝર સહિતની વસ્તુઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાના બાળકો તથા ઝુપડપટ્ટીના જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ આ રાખડી માટેની મહેનત કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે આ રાખડીને બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે."-- હરેન્દ્રસિંહ ડોડીયા (વિરાણી સ્કૂલ પ્રિન્સિપાલ)
સ્ટેશનરીની વસ્તુનું કરાશે વિતરણ: વિરાણી સ્કૂલમાં અભ્યાસ કરતા રુદ્ર વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રાખડીમાં મોટાભાગે સ્ટેશનરીની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ટેકનિકલ અને ફીચર્સના વિદ્યાર્થીઓ દ્વારા આ રાખડીને તૈયાર કરવામાં આવી છે. જ્યારે આ આખરી રાખડી તૈયાર કરવામાં અમારે બે દિવસનો સમય લાગ્યો છે. આ પ્રકારની રાખડી બનાવવાનો વિચાર અમને ઝૂંપડપટ્ટી તેમજ સરકારી શાળાના વિદ્યાર્થીઓને જોઈને આવ્યો છે. કારણ કે આ વિદ્યાર્થીઓ પાસે જરૂરિયાતમંદ બુક્સ, પેન, પેન્સિલ સહિતની વસ્તુઓ ખરીદવાના પૈસા નથી.