રાજકોટ: SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઈ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. હાલ મૃતદેહ PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
અચાનક સ્ટેજ પર ઢળી પડ્યો:ગુરુપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમમાં ધોરણ 10માં અભ્યાસ કરતો દેવાંશુ વિન્ટુભાઈ ભાયાણી નામનો વિદ્યાર્થી પણ ભાગ લઈ રહ્યો હતો. જે દરમિયાન તે સ્ટેજ ઉપર વિવિધ તૈયારીઓ કરી રહ્યો હતો. દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો. જેને લઇને તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટએટેકથી મોત થયાનું તબીબોએ જણાવ્યું છે.
બ્લડ સપ્લાય ઘટી જતા હાર્ટએટેક:ધોરણ 10નો વિદ્યાર્થી સ્ટેજ ઉપર ઢળી પડતો હોય તેવા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. જ્યારે દેવાંશના પિતા ધોરાજીમાં પ્લાસ્ટિકનું કારખાનું ધરાવે છે અને તેના દાદા ભુપતભાઈ ભાયાણી સીદસર મંદિરના ટ્રસ્ટી છે. એવામાં દેવાંશનું પીએમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ત્યારે તબીબોના જણાવ્યા અનુસાર ગભરામણ બાદ બ્લડ સપ્લાય ઘટી જતા દેવાંશને હાર્ટએટેક આવ્યો હતો. જેને મેડિકલની ભાષામાં HOCM તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દેવાંશના પરિવારે આ મામલે મીડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરી નહોતી.