સ્વામિનારાયણ મંદિરના 3 સંતો સહિતના સામે ગુનો નોંધવા સ્પેશિયલ કોર્ટનો હુકમ રાજકોટ: સરધાર જમીન વિવાદની બાબતમાં નવો વળાંક આવ્યો છે. અગાઉ અહીં સરધાર મંદિર પાસે દલિત પરિવારની જમીનમાં ઘુસી તોડફોડ કરાઇ હતી. જે મામલે આક્ષેપો થયેલા જે પછી પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટમાં અરજી થયેલી હવે કોર્ટે આ મામલે ફરિયાદ નોંધવા આજી ડેમ પોલીસને હુકમ કર્યો છે. સ્વામિનારાયણ મંદિર પાસેની વિશાળ જમીન અંગેના વિવાદમાં દોઢ વર્ષ પહેલા 3 સ્વામિનારાયણ સંતો સહિતના લોકો સામે એટ્રોસિટી, ફળ-ફુલના બગીચાની તોડફોડ, રાયોટિંગ સહિતની ફરિયાદ દાખલ કરવા સ્પેશિયલ કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.
શું હતો બનાવ?:આ કેસની વિગત મુજબ 3 ડિસેમ્બર 2021 ના રોજ બનાવ બન્યો હતો. સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ બીપીનભાઈ બધાભાઈ મકવાણાના કબજા-ભોગવટાના ફળ-ફૂલના બગીચામાં સ્વામિનારાયણ મંદિરના સાધુ સ્વામી બાલમુકુન્દ સ્વામી, પતિતપાવન સ્વામી તથા નિત્યસ્વરૂપદાસની આગેવાનીમાં આશરે દોઢસો જેટલા માણસોએ જેસીબી, રોટાવેટર અને ટ્રેકટર જેવા સાધનો વડે આ તમામ ફળાવ ઝાડો તથા ફૂલના છોડ વગેરેનો નાશ કર્યો હતો.
ફરિયાદ નોંધવા અરજી: આ બનાવમાં આ ઉપરાંત આ જગ્યા પર આવેલ બુધ્ધ વિહારનું મકાન તોડી નાખ્યાની બીપીનભાઈ બધાભાઈ મકવાણાએ તા.06-12-2021ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને લેખિત ફરિયાદ કરવા રજૂઆત કરી હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે તેની ફરિયાદ નોંધી ન હતી, જે બાબતે તા.24-01-2022ના રોજ બીપીન મકવાણાએ રાજકોટની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં સ્વામિનારાયણ સાધુઓ અને તેના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.
અહેવાલ રજૂ કરવા હુકમ: કેસમાં અગિયારમાં એડિશનલ રોશન્સ જજ અને એટ્રોસિટી એકટ નીચેના સ્પેશ્યલ જજ વી.કે. ભટ્ટે ફરિયાદીના એડવોકેટ કે.બી. રાઠોડ તથા મિથિલેશ જે. પરમારની દલીલ સંભાળીને ફરિયાદીની સીઆરપીસી કલમ 156(3)ની અરજી મંજૂર કરી આજીડેમ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેકટરને લેખિત ફરિયાદ અંગે ગુનો દાખલ કરી તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધી દિવસ-7માં કોર્ટને અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો છે.
- Gujarat High Court: સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે થયા અનેક ચુકાવનારા ખુલાસા
- Gujarat High Court: હવેથી ઓનલાઇન RTIની અરજી અપીલ કરી શકાશે, મોટો ફાયદો