દફન કરાયેલ મહિલાના મૃતદેહને કોઈએ ખોદીને બહાર કાઢ્યો રાજકોટ: ઉપલેટામાં મહિલાનું અવસાન થતાં તેમના મૃતદેહને ખાખીજાળીયા ગામે દફનાવવામાં આવ્યો હતો. બાદમાં બીજા દિવસે સવારે કોઈ દ્વારા દફન કરાયેલ મહિલાના મૃતદેહને ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મહિલાના પરિવારના સદસ્યો તેમજ ગ્રામજનોને થતા સૌ કોઈ દોડી આવ્યા હતા. આ ઘટના અંગે જાણ કરતાં પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવાર તેમજ ગ્રામજનોમાં અચરજ મૃતદેહને વેરવિખેર કરી નાખ્યો: ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે રહેતા 50 વર્ષીય શાંતાબેન દાનાભાઈ સોલંકી નામના મહિલા થોડા દિવસ પહેલા બીમાર પડ્યા હતા. જેમાં બીમારીની સારવાર લીધા બાદ તેઓનું અવસાન થયું હતું. પરિવાર દ્વારા વિધિવત રીતે તેમની દફનવિધિ ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે કરવામાં આવી હતી. અવસાન બાદ અંતિમવિધિ અને દફનવિધિ કર્યાના બીજા દિવસે દફન કરાયેલા મહિલાના મૃતદેહને કોઈએ ખોદી વેરવિખેર કરી બહાર કાઢી નાખતાં પરિવાર તેમજ ગ્રામજનોમાં અચરજ જોવા મળ્યું છે. ઘટના અંગે જાણ કરાતા ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ તેમજ ભાયાવદર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોટમ અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
'મારી માતાનું બીમારીની સારવાર બાદ અવસાન થયું હતું. અવસાન બાદ વિધિવત રીતે ખાખીજાળીયા ગામ ખાતે દફનવિધિ કરાઇ હતી. આ દફનવિધિ શનિવારે કરવામાં આવી હતી. જે બાદ રવિવારે જે જગ્યાએ દફન કરવામાં આવેલ હતી તે જગ્યા પાસેથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને જોવા મળ્યું હતું કે મૃતદેહને કોઈએ ખોદીને બહાર કાઢી વેરવિખેર કરી નાખ્યું છે. તે અંગેની જાણ થતા તેમના દ્વારા ગામ લોકોને જાણ કરી હતી આને બાદમાં તંત્રને જાણ કરતા તંત્ર દોડી આવ્યું હતું અને તેમના મૃતદેહને ઉપલેટા ખાતે ખસેડવામાં આવ્યો હતો. - કૈલાશ સોલંકી, મૃતક મહિલાનો પુત્ર
'ઉપલેટાના તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખાખી જાળીયા ગામે બનેલ આ બનાવમાં ભાયાવદર પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવીને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. આ મામલામાં હાલ તેમના પરિવારના સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કામગીરી હાથ ધરાઈ છે આને તેમના પરિવારના નિવેદન પરથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.' - રજની ભોજાણી, PSI, ભાયાવદર
પરિવારજનો દ્વારા યોગ્ય તપાસની માંગ: ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે રહેતી મહિલાના અવસાન બાદ તેમના મૃતદેહ સાથે બનેલ આ બનાવમાં તાંત્રિક વિધિ માટે કોઈએ આવું કૃત્ય કર્યું હોવાનું અનુમાન લગવામાં આવી રહ્યું છે. ત્યારે આ અંગે જાણ થતાં મહિલાના પરિવારના સભ્યો તેમજ સમાજના યુવાનો આને આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતક મહિલાના પરિવારના સભ્યો દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે આને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
- Dahod News: દુકાને કામ કરવા જતા મળ્યું મોત, રૂપાખેડા ગામના 44 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ નદીમાંથી મળ્યો
- Banas River: બનાસ નદીમાં ડૂબેલા યુવકનો બે દિવસ બાદ મળ્યો મૃતદેહ, આ વર્ષમાં આટલા લોકો બનાસ નદીમાં મોતને ભેટ્યા