રાજકોટમાં બે ઈસમો 15 કિલો ચાંદીની લૂંટ ચલાવી ફરાર - RJT
રાજકોટઃ રાજકોટના મોરબી રોડ પર ગત મોડીરાત્રે બે અજાણ્યા ઈસમોએ ચાંદીના કામ સાથે જોડાયેલ મજૂર પાસેથી અંદાજીત 15 કિલોગ્રામ જેટલા ચાંદીની લૂંટ ચલાવી હતી. મયુર પોકર નામનો ચાંદી કામનો મજૂર થેલામાં ચાંદી લઈને જઇ રહ્યો હતો. તે સમયે અજાણ્યા ઇસઓએ તેના માથાના ભાગે બોથડ પદાર્થમારીને ચાંદી ભરેલ થેલો લઈને પલાયન થઈ ગયા હતા.
સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગત મોડીરાત્રે લૂંટની ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર જુના રેલવે ફાટક નજીક ચાંદી કામ સાથે સંકળાયેલા મયુર દિનેશભાઇ પોકર નામનો યુવાન ચાંદીનો થેલો લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા બે ઈસમોએ યુવાનને માથામાં બોથડ પદાર્થ ઝીંકીને તેને ઘાયલ કર્યો હતો. બાદમાં તેની પાસે રહેલ ચાંદીનો થેલો લઈને ભાગી છૂટ્યો હતો. આ થેલામાં 15 કિલોગ્રામ જેટલું ચાંદી હતું. જેની કિંમત રૂપિયા 4 લાખ કરતા વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજકોટમાં મોડીરાત્રે લૂંટની ઘટના સામે આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.