રાજકોટ : રાજકોટના સમરસ કોવિડ કેર સેન્ટરમાંથી ઢોલરા વૃદ્ધાશ્રમના છ વૃદ્ધ મહિલા સહિત સાત વડીલો કોરોનાથી મુક્ત થતા રજા આપવામાં આવી હતી. જ્યારે તબીબો અને નર્સ બહેનોએ સાત વડીલોને માતા-પિતાની જેમ સાચવીને સારવાર કરીને સંસ્થામાં જવા વિદાય આપી ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યાં હતા.
શહેર નજીક આવેલ ઢોલરાના ‘‘દીકરાનું ઘર’’ સંસ્થામાં ઘણા સમયથી રહેતા અમૃતલાલ અંબાસણા, હીરાબેન ગોરધનભાઈ ચોવટીયા, ઉજીબેન જાવિયા, અનસુયાબેન મકવાણા, રસીલાબેન જાવિયા, પ્રભાબેન વાજીયા, અને ભાવનાબેન આડેસરા એક સાથે કોરોના સંક્રમિત થયા હતા. તેમને શરદી અને તાવ હોવાથી સંસ્થા દ્વારા જાગૃતિ દાખવી સીધા જ સરકારી દવાખાને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ સાત વડીલોમાંથી અમૃતલાલ ભાઈને ડાયાબિટીસ અને બીપીની બીમારી તેમજ હીરાબેનને ડાયાબિટીસ અને અન્ય પાંચ વડીલોને ઉંમરને કારણે નાની મોટી તકલીફ છતાં સમયસર સારવાર, મજબૂત મનોબળ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉપચાર સાથે અદ્યતન સારવાર મળી જતા ,સાજા થઈ જતા સમરસ કોવિડ કેર સેન્ટરમાં તબીબો અને નર્સ બહેનોએ સાત વડીલોને માતા-પિતાની જેમ સાચવીને સારવાર કરીને સંસ્થામાં જવા વિદાય આપી ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યાં હતા.
રાજકોટ ઢોલરા વૃદ્ધાશ્રમના છ વૃદ્ધ મહિલા સહિત સાત વડીલો થયાં કોરોનાથી મુકત જ્યારે 68 વર્ષના રસીલાબેનએ કહ્યું કે, સરકાર દ્વારા સમરસમાં સમયસર જમવાનું આવી જાય, ડોક્ટર ખડે પગે અને સ્ટાફ દીકરા-દીકરી જેવો હોય, પછી બીજું અમારે શું જોઈએ? અમારી સંસ્થામાં જે રીતે અમારા ટ્સ્ટી મુકેશભાઈ રાખે છે તે જ રીતે પરિવારની જેમ અમને અહીં તબીબી સ્ટાફ અને નર્સ બહેનોએ સાચવ્યા છે. સમરસમાં સફાઈ તેમજ બધી જ સગવડને લીધે અમને અહીં 12 દિવસ સુધી દીકરાના ઘર જેવું અનુભવાયું છે. જ્યારે હીરાબેન ચોવટીયાએ કહ્યું કે, સમરસમાં સમયસર સારવાર મળી જતા આજે અમે કોરોનાથી સાજા થઈ ગયા છીએ. ત્યારે પ્રભાબેન વાજીયાએ પણ સરકાર, તબીબોનો, જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો. તેમજ ભાવનાબેન આડેસરા કહે છે કે, અમે કહીએ કે, લસણ ડુંગળીવાળુ નથી ખાતા તો અમારી માટે જૈન થાળી જમવામાં આવી જાય. ચા ,પાણી, નાસ્તો, ઉકાળો અને સમયસર દવા વગેરે બધી જ સગવડ અમને અહીં મળી છે.
સમરસ હોસ્ટેલ કેર સેન્ટરના ડૉ. ગૌરવ ગોહિલ, ડૉ. મોહિની શાહ, ડૉ. રીધ્ધિ ગાજીપરા સહિતના તબીબોએ તેમજ નર્સિંગ સ્ટાફે વડીલોને સારવારમાં, શુશ્રુષામાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે કાળજી લીધી હતી. આમ સમરસ હોસ્ટેલ રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની મહેનતને લીધે કોરોના દર્દીઓ માટે સારવાર અર્થે આશીર્વાદ સમાન બની છે.