રાજકોટ : સતત વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો. હરીશ રૂપારેલિયાની નિમણૂક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રાર તરીકે કરવામાં આવી છે. જેને લઇને તેમના મિત્રો વર્તુળો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, ડો હરીશ રૂપારેલીયા નિર્વિવાદિત અને નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવે છે. જોકે હજુ સુધી ડો. હરીશ રૂપારેલિયાએ રજિસ્ટ્રાર તરીકે ચાર્જ સંભાળ્યો નથી.
ડો. હરીશ રૂપારેલિયા : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રજિસ્ટ્રાર તરીકે ડો. હરીશ રૂપારેલિયાની નિમણૂક કરવામાં આવી છે. ડો હરીશ રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોમાં મહત્વની જવાબદારીનું નિર્વહન કરી રહ્યા છે. જ્યારે ડો. હરીશ રૂપારેલીયાએ BE મિકેનિકલ, MBA, LLB તેમજ હ્યુમન રિસોર્સમાં Ph.D ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
સ્વચ્છ પ્રતિભા :ઉલ્લેખનિય છે કે, ડો હરીશ હજુ સુધી કોઈ વિવાદમાં અથવા ચર્ચામાં આવ્યા નથી. તેઓ સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. એવામાં તેમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિમણૂક કરવામાં આવતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિભામાં સુધારો આવે તેવી પણ શક્યતા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 12 વર્ષથી ઇન્ચાર્જ રજિસ્ટ્રાર હતા. પરંતુ કાયમી રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી નહોતી. ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણી પણ યોજાનાર છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કાયમી રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે.
વિવાદિત યુનિવર્સિટી :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક વિવાદો જોવા મળ્યા છે. જેમાં પેપર લીક કાંડ, માટી કૌભાંડ ભારે ચર્ચામાં રહ્યા હતા. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સમીર વૈદ્ય આત્મીય યુનિવર્સિટીમાં નાણાંના કૌભાંડમાં સંડોવાયેલા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના મનોજ જોશીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક બાદ એક કૌભાંડ અને વિવાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત ચર્ચામાં રહી છે. ત્યારે આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે કાયમી રજીસ્ટર તરીકે નિર્વિવાદિત વ્યક્તિનું આગમન કોઈ બદલાવ લાવે છે તે જોવું રહ્યું.
- Dummy Student : પરીક્ષામાં છબકડું ફેલ, યુવતીની જગ્યાએ પરીક્ષા આપવા આવેલા યુવકને માસ્તરે કલાસમાંથી પકડી લીધો
- Saurashtra University Strife : સસ્પેન્શન નિર્ણયને પડકારશે પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય, કુલપતિનો ખુલાસો