રાજકોટ : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના બે પેપર ફૂટ્યા હતાં. જે મામલે 100 દિવસ કરતા વધતા સમય વીત્યા બાદ હવે ગઈકાલે મોડી રાતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં FIR નોંધાઈ છે. જીગર ભટ્ટ નામના શખ્સ સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જીગર ભટ્ટ એચ.એન શુક્લા કોલેજમાં કર્મચારી તરીકે નોકરી કરે છે. જ્યારે આ એચ.એન શુકલા કોલેજ ભાજપ કોર્પોરેટરની છે. જોકે હવે પેપર ફૂટવા મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :junior exam paper leak accused: રાજકોટમાં NSUI સંગઠનએ પેપર ફોડનાર આરોપીના પૂતળાને જાહેરમાં ફાંસી આપી
BBA અને BCAનું પેપર થયું હતું લીક :થોડા દિવસો અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક થયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે પેપર લીક થવાના કારણે પરીક્ષાના રદ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારબાદ પેપર પણ બદલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસનનું પેપર લીક થયું હતું. તેમજ BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હતું. પેપર લીક થવાની ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોમાં પણ હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માત્ર અરજી આપવામાં આવી હતી બીજી તરફ હજુ સુધી આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નહોતી, પરંતુ ગઈકાલે હવે આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.