પાણી માટે મેયરે આપી ખાતરી રાજકોટઃહજી તો ઉનાળો શરૂ થવાની વાર છે. એવામાં રાજકોટમાં પાણી માટેની પારાયણ શરૂ થઈ ગઈ છે. આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું. ત્યારે રાજકોટના ભાગોળે આવેલા માધાપર નજીક સત્યમ્ શિવમ્ સુન્દરમ્ પાર્કમાં પીવાનું પાણી આવતું નહીં હોવાની રજૂઆત કરવા સ્થાનિક મહિલાઓ મોટા પ્રમાણમાં આવી પહોંચી હતી. જોકે, તેમણે જનરલ બોર્ડમાં જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિજિલન્સના સ્ટાફે તેમને અટકાવી દીધા હતા. ત્યારબાદ આ મહિલાઓએ મેયરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃPatan: પાણીના મામલે મહિલાઓ આકરા પાણીએ, પાલિકામાં હલ્લાબોલ તંત્ર સાથે તકરાર
અઢી વર્ષ પહેલા રાજકોટ મનપામાં ભળ્યો વિસ્તારઃશહેરના માધાપર સહિતના 5 જેટલા ગામો અઢી વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યા છે. ત્યારથી અત્યાર સુધી આ ગામોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આવામાં છેલ્લા ઘણા સમયથી માધાપર વિસ્તારમાં આવેલી સત્યમ્ શિવમ્ સુન્દરમ્ પાર્કમાં પીવાના પાણીની સુવિધાઓ નથી. જેના કારણે સ્થાનિક મહિલાઓ આજે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા માટે આવી હતી પરંતુ કૉર્પોરેશનમાં જનરલ બોર્ડ શરૂ હોય ત્યારે આ મહિલાઓને રજૂઆત માટે રાહ જોવી પડી હતી. જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ આ મહિલાઓ મેયરને મળી હતી. જ્યારે મેયરે પણ વિસ્તારમાં આગામી એક મહિના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવાની ખાતરી આપી હતી.
બે દિવસે એકવાર આવે છે વિસ્તારમાં પાણીનું ટેન્કરઃપાણી માટે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીની સમસ્યા છે. જ્યારે કૉર્પોરેશન દ્વારા ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે, પરંતુ 2 દિવસે માત્ર એક વાર પાણી આપવામાં આવે છે. આના કારણે અમારા વિસ્તારમાં આ પાણી પૂરું થતું નથી. જ્યારે અમારે પૈસા ખરીદીને પાણી મગાવવું પડે છે. અમે વિસ્તારમાં કૉર્પોરેટરને વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ હજી સુધી અમને પીવાનું પાણી પણ આપવામાં આવતું નથી. આના કારણે અમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હજી તો ઉનાળાની શરૂઆત છે. ત્યારે આ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે.
આ પણ વાંચોઃRajkot Water Crises: ઉનાળા પહેલા જ પાણીની મામલે મહિલાઓ જાહેરમાં રણચંડી, કહ્યું કોઈ ગાંઠતું નથી
પાણી માટે મેયરે આપી ખાતરીઃઆ મામલે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, અઢી વર્ષ પહેલા ભળેલા નવા વિસ્તારમાં હાલ પ્રાથમિક સુવિધાઓ માટેની કામગીરી કૉર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે માધાપર અને સત્યમ્ શિવમ્ સુન્દરમ્ પાર્કમાં પાણીના પાઈપલાઈન નાખવા માટેના કામની ટેન્ડરિંગ પ્રક્રિયા આગામી 15 દિવસમાં હાથ ધરાશે. તેમ જ આગામી એક મહિનામાં આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનું શરૂ થશે. ત્યારબાદ વિસ્તારમાં પાઇપલાઇન મારફતે કૉર્પોરેશન દ્વારા પાણી આપવામાં આવશે. ત્યાં સુધી આ વિસ્તારમાં જેટલું જરૂરી હોય તેટલું પાણી ટેન્કર મારફતે આપવામાં આવશે તેવી મેયર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.