રાજકોટ: ચંપલ બનાવતી કંપનીએ ચંપલ પર સરપંચ લખીને સમગ્ર સરપંચ આલમનુ અપમાન કર્યું હોય સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આ કંપની કાયમી માટે બંધ કરવી અને આવનારા સમયમાં કોઈ ક્યારેય સરપંચનું આવુ ઘોર અપમાન ન થાય તે માટે સરકારે કાયદો બનાવાની માંગ સાથે સરપંચ સમિતિએ રોષ વ્યક્ત કર્યો હતો.
સરપંચ એ મોટું સંવૈધાનિક પદ છે. ગ્રામપંચાયત દેશના વિકાસનો મુખ્ય પાયો છે. દેશની GDPના 80 ટકા ગ્રામીણ વિસ્તાર પર નિર્ભર છે. આ ચંપલ કંપનીએ ગામના વડા તથા ગામના પ્રથમ નાગરિકનું નામ ચંપલ પર લખીને અપમાન કર્યુ છે.
ગોંડલ તાલુકા સરપંચ સંકલન સમિતિના પ્રમુખ નિર્મળસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ બાબતે જન અધિકાર સંઘ, સરપંચ સંગઠન ગુજરાત રાજ્યના સરપંચ વતી પ્રમુખ દિપકભાઈએ ફરિયાદ દાખલ કરી છે. તેને અમો ગોંડલ તાલુકાનાં તમામ સરપંચ વતી ગોંડલ તાલુકા સરપંચ સંકલન સમિતિ સમર્થન કર્યું હતું. જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં પ્રમુખ દિપકભાઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેમાં ગોંડલ તાલુકા સરપંચ સંકલન સમિતિ અને ગોંડલ તાલુકાનાં તમામ સરપંચ પુરેપુરું સમર્થન આપશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા એક ચાઈનીઝ કંપનીએ પણ ત્રિરંગા રંગના ચંપલ બનાવ્યા હતા. જેનો દેશવ્યાપી વિરોધ થયો હતો.