રાજકોટ: કોરોના મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનનું ત્રીજુ ચરણ ચાલી રહ્યુ છે. ત્યારે દેશભરમાં કોરોના વોરિયર્સ તરીકે આપણા દેશના ડોક્ટર્સ, મીડિયાકર્મીઓ, સફાઈકર્મીઓ અને પોલીસકર્મીઓ કોરોના સામેની જંગમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે, પરંતુ ઉનાળાની ઋતુને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં આકાશમાંથી આકરો તાપ અને ગરમી વરસી રહ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વીરપુર પોલીસના જવાનો વૈશાખ માસના આ 42 ડિગ્રીના આકરા તાપમાનમાં પણ હાઈવે પર પોતાની ફરજ પ્રામાણિકતાથી બજાવી રહ્યા છે.
વીરપુર જલારામધામમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને સલામ
"દિવસો ઘણા વીત્યા લડત હજુ બાકી છે, કોરોના સામેની જંગમાં અડગ હજુ ખાખી છે". સૂત્ર સાર્થક કરતા દેશભરમાં કોરોના વોરિયર્સ જીવના જોખમે દેશને કોરોનાથી બચાવવા ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે વીરપુરના પ્રખ્યાત જલારામધામમાં પણ 42 ડિગ્રી તાપમાનમાં પોલીસ જવાનો ફરજ બજાવતા જોવા મળ્યા હતા.
વીરપુર જલારામધામમાં બેતાલીસ ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને સલામ
કોરોના વાઇરસને પગલે લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે વીરપુર પોલીસના પીએસઆઇ આર.એ.ભોજાણી દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ હાઈવે પર નાના-મોટા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. 42 ડીગ્રીના આકરા તાપ વચ્ચે પણ વીરપુર પોલીસના જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે વીરપુરના નગરજનો પણ વીરપુર પોલીસના જવાનોને સલામ કરી તેમની કામગીરીને બિરદાવી રહ્યાં છે.