- સિમેન્ટમાં ભાવમાં રૂપિયા 15થી 20નો વધારો
- સિમેન્ટના ભાવ વધે કે મજૂરી બિલ્ડરોને ફરક નથી પડતો, નવું ઘર ખરીદનારને ચિંતા
- એક તો કોરોનાની મહામારી, ઉપરાંત મોંઘવારીનો માર
રાજકોટઃ દેશમાં વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા લોકડાઉન બાદ સિમેન્ટની એક થેલીએ રૂપિયા 15થી 20 સુધીનો વધારો કર્યો છે. સિમેન્ટનો ઉપયોગ બાંધકામ ક્ષેત્રે ખૂબ જ જરૂરી હોય છે. સિમેન્ટનો ભાવ વધે એટલે તેની સીધી અસર બાંધકામ પર જોવા મળે છે. આમ સિમેન્ટની એક થેલીએ રૂ.15થી 20નો વધારો થતાં જે રહેણાંક મકાન રૂપિયા 10 લાખમાં તૈયાર થયું હોય, તે રૂપિયા 1 થી 2 લાખ જેટલું મોંઘુ પડી શકે છે. આ રહેણાંક મકાન અથવા બાંધકામ મોંઘુ થાય તો તેની અસર બિલ્ડરો કરતા મકાન ખરીદનારા પર વધારે જોવા મળશે.
સિમેન્ટ ભાવ વધારાની મકાન ખરીદનારા પર સીધી અસર
આ અંગે ઈટીવી ભારતે રાજકોટમાં વર્ષોથી બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને બિલ્ડર અજયભાઈ વાડોલીયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિમેન્ટની થેલીમાં ભાવ વધે તો સ્વાભાવિક છે કે, બાંધકામ ક્ષેત્રેમાં પણ મોંઘવારી આવે, પરંતુ આ સિમેન્ટના ભાવ વધવાને કારણે અમારા કરતા જે લોકો મકાન અથવા બાંધકામ કરાવે છે તેમના પર તેની અસર વધુ જોવા મળે છે.