- રાજકોટમાં 55 ફૂટના રાવણનું કરાશે દહન
- લોકોને ઘરે રહીને ઓનલાઈન કાર્યક્રમ જોવાની અપીલ
- વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું
રાજકોટ : કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી તહેવારો, ઉત્સવોની ઉજવણી થઇ શકતી ન હતી અને અનેક પરંપરાઓ પણ તૂટી હતી. કોરોનાની બીજી ઘાતક લહેર પૂરી થયા બાદ રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ અપાતા ગત વર્ષે બંધ રહેલા નવરાત્રી પર્વની ઉજવણી માટે છૂટ આપવામાં આવી છે. ત્યારે એક વર્ષના બ્રેક બાદ આ વર્ષે રાજકોટમાં વિજયા દશમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાવણ દહનનું આયોજન કરાયું છે. જ્યારે તેના માટે અંદાજીત 55 ફૂટનો રાવણ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનો દશેરાના દિવસે દહન કરવાનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે. જેને લઈને રાજકોટવાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના સૌથી ઉંચા રાવણનું કરાશે દહન
શહેરના રેસકોર્ષમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 55 ફૂટ ઉંચા રાવણનું દહન કરવામાં આવશે. જેને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે બે દિવસ માટે રેસકોર્સ મેદાનની ફાળવણી એસ્ટેટ શાખાએ કરી છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દર વર્ષે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણ દહનનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવતું હોય છે. ગત વર્ષે કોરોનાના કારણે રાવણ દહનની ઉજવણી થઇ શકી ન હતી. પરંતુ આ વર્ષે કોરોના કેસ નહિવત થતા રાજ્ય સરકાર દ્વારા નિયમોને આધિન નવરાત્રિની ઉજવણીના મંજૂરી આપવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિજયાદશમીના દિવસે રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે.
રાવણ દહન દરમિયાન ભવ્ય આતશબાજી