રાજકોટ જિલ્લાના સસ્તા અનાજ દુકાનધારકો ફરી હડતાલ પર ઉતર્યા રાજકોટ :રાજ્યભરના સસ્તા અનાજના દુકાનધારકો આજથી હડતાલ ઉપર ઉતર્યા છે. રાજકોટના મનહર પ્લોટ વિસ્તારમાં રાજકોટ જિલ્લાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વેપારીઓની માંગ છે કે સરકાર દ્વારા અગાઉ તેમની રુ. 20,000 કમિશનની માંગણી સ્વીકારવામાં આવી હતી. પરંતુ તે માંગણી સ્વીકારતા સમયે જે પણ શરત રાખવામાં આવી છે તે યોગ્ય નથી. જેના કારણે વિવાદ સર્જાયો છે. ત્યારે આજે રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજના વેપારી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે.
અચોક્કસ મુદતની હડતાલ : સમગ્ર મામલે રાજકોટમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા હિતુભા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે આ અગાઉ અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા હતા, તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમારી રૂપિયા 20,000 કમિશનની માંગણી સ્વીકારવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા GR બહાર પાડવામાં આવ્યું તેમાં વિસંગતતા ઊભી થઈ છે. રુ. 20,000 કમિશનનો લાભ તમામ વેપારીઓને ન મળે તે પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાય છે.
શું છે મામલો ? તેઓએ વધુમાં જણાવ્યું કે, આજે અમે શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં તમામ વેપારીઓ એકઠા થયા છીએ અને આગામી દિવસોમાં સરકાર દ્વારા સસ્તા અનાજના તમામ દુકાનધારકોને કમિશન પેટે રૂપિયા 20,000 આપવામાં આવે તેવી માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ.
લાભાર્થીઓ ભોગ બનશે : રાજકોટ જિલ્લામાં અંદાજે 700 કરતાં વધારે સસ્તા અનાજની દુકાનો આવેલી છે. તેમજ અઢી લાખ જેટલા લાભાર્થીઓને સસ્તા અનાજની દુકાનનો લાભ મળે છે. એવામાં દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે સસ્તા અનાજના દુકાનધારકો અચાનક અચોક્કસ મુદતની હડતાલ પાડતા લાભાર્થીઓને તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
વેપારીઓની માંગ : ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સસ્તા અનાજના દુકાનધારકો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા તેમની માંગણી સ્વીકારવાની મૌખિક ખાતરી આપવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા GR બહાર પાડવામાં આવ્યું તેને લઈને વિસંગતતા સર્જાઈ છે. વેપારીઓ ફરી હડતાલ ઉપર ઉતર્યા છે. જોકે આ મામલે રાજકોટ પુરવઠા વિભાગના અધિકારીએ મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું.
- Ration Shop Owners Strike: સસ્તા અનાજના દુકાનદારો આ હડતાળને પોતાની જીદ નહિ પરંતુ મજબૂરી ગણાવે છે
- Rajkot News: મગફળીનું ઉત્પાદન વધ્યું છતાં સીંગતેલના ભાવ નહીં ઘટેઃ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન