રાજકોટ: વૈશ્વિક મહામારી કોરોના સામે હાલ તમામ દેશો લડી રહ્યા છે. આ મહામારી માટેની દવા કે વેકસીન હજુ સુધી શોધાઈ નથી, પરંતુ કોરોનાની સારવાર માટે Remdesivir Injection ખુબજ ઉપયોગી બન્યા છે. સામાન્ય રીતે કોરોનાના દર્દીનું ઓક્સિજન લેવલ ક્રિટિકલ ન થાય તે માટે દર્દીને આ ઇન્જેક્શન આપવામાં આવે છે. જેને લઈને રાજ્યના મોટાભાગના શહેરમાં Remdesivir Injectionની માંગમા વધારો થયો છે.
ઈન્જેક્શનની માગ વધતાની સાથે જ તેની કાળા બજારી પણ શરૂ થઈ છે. જેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવીને આ ઇન્જેક્શનની કાળા બજારી કરતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમાં એક નર્સિંગ સ્ટાફની મહિલાનો પણ સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દેવિયાની જીતેન્દ્ર ચાવડા નામની શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી મહિલા આ પ્રકારના ઇંજેક્શનની વ્યવસ્થા કરી આપે છે. જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું હતું. જેવી દેવિયાની ઈન્જેક્શન લઈને ગોંડલ રોડ પર આવેલી શાંતિ કોવિડ હોસ્પિટલ નજીક આવી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને બે Remdesivir Injection સાથે ઝડપી પાડી હતી.