પાંચ દિવસીય ભવ્ય રામ ઉત્સવનું આયોજન રાજકોટ :22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજકોટમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સતત પાંચ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન રામ જાણે રાજકોટમાં પધાર્યા હોય તેવું વાતાવરણ સર્જાશે. રાજકોટ સનાતન ધર્મ ગ્રુપ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
પાંચ દિવસીય ભવ્ય રામ ઉત્સવ : આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. જેના ભાગરૂપે રાજકોટમાં 17 જાન્યુઆરી 2024 થી 22 જાન્યુઆરી 2024 સુધી શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા પણ એક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં રામ મંદિરનું નિર્માણ :જે અંતર્ગત વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ 'રામ મેદાન' ખાતે અયોધ્યાના રામ મંદિર જેવી આબેહૂબ 100×65 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. આ પ્રતિકૃતિની ઊંચાઈ 35 ફૂટ જેટલી રાખવામાં આવશે. આ મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદાપુરુષોત્તમ ભગવાન રામના 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મૂકવામાં આવશે. જેના દર્શન કરી રાજકોટની ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવી શકશે.
મહા શોભાયાત્રા :આ અંગે સનાતન ધર્મ ગ્રુપના પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વિજય વાંકે જણાવ્યું હતું કે, આગામી 17 જાન્યુઆરીના રોજ બપોરના 2 વાગ્યાથી રાજકોટમાં વિવિધ કાર્યક્રમ શરૂ થશે. જેમાં પ્રથમ શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રામાં એક હજાર કરતાં વધુ સાધુ-સંતો અને 2 હજાર કરતાં વધુ કારનો કાફલો હશે. ત્યારબાદ સતત પાંચ દિવસ સુધી નામાંકિત કલાકારો દ્વારા ભગવાનની આરતી કરવામાં આવશે. ઉપરાંત દરરોજ 10 હજાર કરતાં વધુ લોકોને રાત્રીના ભોજન પ્રસાદ આપવામાં આવશે.
ભવ્ય આતશબાજી : વિજય વાંકે વધુમાં જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 21 જાન્યુઆરીની રાત્રે રાજકોટ વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાનાર છે. આ સાથે જ ડાયરો તેમજ ભગવાન રામની મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાનાર છે. તેમજ રાજકોટમાં જ અયોધ્યા હોય તે પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત અયોધ્યા રામ મંદિરના મહંત કમલનયનદાસ મહારાજ આજે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા.
- Ram Mandir: વડોદરાના રામ ભક્તે અયોધ્યાના રામ મંદિર માટે બનાવ્યો 1100 કિલોનો દીવો
- Kutch: રણોત્સવમાંથી સોમનાથના કરી શકાશે દર્શન, 'પ્રભાસ તીર્થ મેં સોમનાથ' ગેલરીનો પ્રારંભ