રાજકોટના બાળકોની અનોખી સિદ્ધી, પાણી બચાવવા બનાવ્યો 'વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ
રાજકોટ: શહેરમાં રહેતા નિલ અને વૃતિકા નામના બે ભાઈ-બહેનો રેઇન પાણી બચાવો અભિયાન ચલાવ્યું છે. જેમાં બંને ભાઇ-બહેન લોકો સુધી પોતાના 'વોટર હાર્વેસ્ટિંગ' પ્રોજેક્ટ મારફતે લોકોમાં પાણી બચાવવા માટેની જાગૃતિ લાવવા માટેના કામ કરી રહ્યાં છે. અભિયાન હેઠળ નાના બાળકો લોકોને કેવી રીતે વરસાદી પાણીનો બચાવ કરીને તેને ઉપયોગમાં લેવાય તે અંગેની જાગૃતતા ફેલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં નિલ અને વૃતિકાએ 5 લાખ કરતા વધારે લોકોને પોતે બનાવેલા અલગ-અલગ પ્રોજેક્ટ દ્વારા પાણી બચાવવા માટેની જાગૃતિ માટે સમજાવ્યા છે. બન્ને બાળકોના આ પ્રોજેક્ટની રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ એક કાર્યક્રમ દરમિયાન નોંધ લીધી હતી.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગામે ગામે પાણીની પારાયણ જોવા મળે છે. તેમજ ગામની મહિલાઓને પણ પાણીના એક-એક બેડાં માટે આમ તેમ વલખા મારવા પડે છે. લોકોની આ સમસ્યા હળવી કરવા અને વરસાદી પાણીને કેવી રીતે વેડફાતું અટકાવી શકાય, તે માટે રાજકોટના આ ભાઈ-બહેનની જોડી દ્વારા એક અનોખું અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં નિલ અને વૃતિકા રાજાણી આ ડ્રોઈંગ મારફતે કાર્યક્રમોમાં અને શાળાઓમાં જઇને શક્ય તેટલા લોકોને વરસાદી પાણી કેવી રીતે બચાવવું અને તેના ઉપયોગને લઇને જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.