રાજકોટ :માંધાતા ગ્રુપ દ્વારા વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. આ બાઈક રેલીમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જે દરમિયાન કેટલાક શખ્સો દ્વારા આ રેલીમાં સ્ટંટ કરવામાં આવ્યા હતાં. બાઈક સ્ટંટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે આ પ્રકારે જીવલેણ સ્ટંટ કરવામાં આવતા અનેક લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતાં. જ્યારે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી, પરંતુ આ પ્રકારના બાઈક સ્ટંટના વિડીયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ બાઈક સ્ટંટના વિડીયો રાજકોટના સંત કબીર રોડ વિસ્તારના હોવાનું ચર્ચા રહ્યું છે.
આ પણ વાંચો રાજકોટમાં મહિલાઓના પ્રશ્ને લોક દરબાર યોજાયો, પીડિત મહિલાઓને ન્યાયની આશા
અસામાજિક તત્વોનો આતંક : રાજકોટમાં હવે પોલીસનો ખૌફ ઓસરતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવરાતત્વો બેફામ બની રહ્યા છે. શહેરમાં અનેક વખત જોખમી સ્ટંટ સાથે વિડિયો બનાવતા યુવાનો નજરે પડે છે તો ક્યારેક જાહેરમાં મારામારીના બનાવ સામાન્ય બની ગયા છે. ત્યારે આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં લુખ્ખા તત્વો તોડફોડ કરતા હોવાનો એક વિડીયો વાઇરલ થયો છે. રેલનગરના શક્તિ ટી સ્ટોલ પાસે કેટલાક યુવાનો પથ્થર અને લાકડી વડે રાત્રે તોડફોડ કરી રહ્યાના CCTV ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે. ઘટનાને પગલે રેલનગર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. જ્યારે આ તોડફોડ કયા કારણોસર કરવામાં આવી તે હજુ સુધી બહાર આવ્યું નથી.