રાજકોટમાં ફરી અંધશ્રદ્ધાનો કિસ્સો, પીડિત દ્વારા ભૂવા પર રુ. 8 લાખ પડાવ્યાનો આક્ષેપ રાજકોટ :સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભુવાએ રૂપિયા 8 લાખ પડાવ્યા હોવાનો પીડિત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે આ મામલે પીડિત દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, અરુણ સાપરિયા દ્વારા તેમના પરિવારમાં સારું થઈ જશે તેવી વાત કરીને ભોળવ્યા હતા. ત્યારબાદ તેમની પાસેથી ધીમે ધીમે રૂપિયા 8 લાખ જેટલી રકમ પડાવી હતી.
પીડિતનો આક્ષેપ : રાજકોટમાં અંધશ્રદ્ધાનો ભોગ બનેલા મનીષ લોટીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અરુણ સાપરિયા નામના ભુવા પાસે હું જન્માક્ષર જોડાવવા માટે ગયો હતો. જે દરમિયાન તેમને વિધિ કરવાનું કહ્યું હતું અને હું આ વિધિમાં ફસાયો હતો. ત્યારબાદ આ ભુવા દ્વારા મને સ્મશાનમાં વિધિ કરાવવા માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી થાન ખાતે મંદિરમાં પણ વિધિ કરાવી અને કહ્યું હતું કે તારા પરિવારમાં બે દિવસમાં સારું થઈ જશે. જો બે દિવસમાં સારું ન થાય તો તમારે છોકરીની વિધિ કરવી પડશે.
પોલીસ કમિશનરને ફરિયાદ :પીડિતે વધુ વાત કરતા જણાવ્યું કે, જ્યારે છોકરીની વિધિની વાત કરવામાં આવતા અમને શંકા ઉપજી હતી. ત્યારબાદ અમે તેના વિરુદ્ધ તપાસ કરી તો સામે આવ્યું કે, આ માણસ ખોટો છે. જ્યારે આ માણસ દ્વારા મને ખોટી રીતે ફસાવીને રૂપિયા 7 થી 8 લાખ પડાવ્યા છે. જેમાંથી મને 80 થી 90 હજાર રૂપિયા પરત આપ્યા છે. જ્યારે આ મામલે મને ન્યાય મળે અને બીજા લોકો છેતરાય નહીં તે માટે મેં પોલીસ કમિશનરને આ અંગેની અરજી કરી છે.
અરુણભાઈનો પ્રતિઆક્ષેપ : આ મામલે જેમની વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે એવા અરુણ સાપરિયાએ મીડિયા સાથેની વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મનીષભાઈ લોટીયા બેંકમાં વાંધા હોય તેવા લોકોની લોન પાસ કરાવવાનો ધંધો કરે છે. તેમજ અવારનવાર ઘણી જગ્યાએ દારૂ પીને ડીંગલ પણ કરે છે. ત્યારે સાત-આઠ દિવસ પહેલા તેઓ મારા ઘરે નીચે આવીને ખૂબ દારૂ પીને ઘણા બધા ડીંગલ કર્યા હતા. જેના કારણે મેં તેમના ભાઈને ફોન કરીને બોલાવ્યા હતા અને ઘરે મોકલ્યા હતા. જેનો ખાર રાખીને તેઓ મને બદનામ કરવા માટે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે.
હું ભુવાઓમાં માનતો નથી : તેઓએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ કહી રહ્યા છે કે મેં રુ. 8 લાખ પડાવ્યા છે. પરંતુ મેં આવા કોઈ 8 લાખ રૂપિયા પડાવ્યા નથી અને હું આવું કોઈ પણ ભુવાનું કામ કરતો નથી. અગાઉ પણ મેં ક્યારેય આ પ્રકારનું કામ કર્યું નથી અને હું ભુવાઓમાં માનતો નથી. જ્યારે તેને મારા ઘર પાસે દારૂ પીને ડીંગલ કર્યું અને ધમકી આપી હતી. જેના કારણે મેં તેને કહ્યું હતું કે જો ફરી તે આવું કરશે તો તો હું તારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશ. આ પોલીસ ફરિયાદથી બચવા માટે તેને આ પ્રકારના ગંભીર આક્ષેપ મારી ઉપર કર્યા છે.
- Rajkot Superstition Case: ભૂવાએ ગર્ભમાં રહેલા બાળકની વિકલાંગતા દૂર કરવાના નામે દોઢ લાખ ખંખેર્યા
- Rajkot Superstition: અંધશ્રદ્ધાના નામે આહુતિ, કમળપૂજા વિધી કરીને પતિ-પત્નીએ હવનકુંડમાં માથા હોમી દીધા