રાજકોટ : દર વર્ષે ઉનાળો આવતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉદભવે છે. ત્યારે હવે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા રાજકોટમાં પણ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યાનો વિવિધ વિસ્તારવાસીઓ સામનો કરી રહ્યા છે. એવામાં રાજકોટના વોર્ડ નંબર 11માં આવતી નાના મૌવા વિસ્તારની છ જેટલી સોસાયટીના સ્થાનિકો દ્વારા લઈને મનપા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ મામલે કોઇ નિર્ણય તંત્ર દ્વારા નહિ કરવામાં આવતા. આજે સ્થાનિકોમાં મોટા પ્રમાણમાં એકઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
જ્યારે રાજકોટ શહેરમાં દૈનિક 365 MLD પાણીની જરૂરિયાત છે. જેમાં આજી ડેમમાંથી રોજ 130 MLD, ન્યારી ડેમમાંથી 70 MLD અને ભાદર ડેમમાંથી 40 MLD પાણી ઉપાડવામાં આવે છે. શહેરમાં નાના મૌવા વિસ્તારની પાણીની સમસ્યાનો પ્રશ્ન સામે આવતા અમે તાત્કાલિક વોર્ડ એન્જીનીયર સાથે વાત કરીને વિસ્તારમાં જે પણ ટેકનિકલ પ્રશ્ન હોય તેનું તાત્કાલિક નિવારણ લાવવાનું સૂચના આપી છે. તેમજ તાજેતરમાં જ શિયાળો પૂર્ણ થયો છે અને ઉનાળાની શરૂઆત છે જેને લઈને સ્વાભાવિક રીતે પાણીનો વપરાશ ઉનાળામાં વધે છે. જે વિસ્તારમાં પાણીની જરૂરિયાત હશે તેમ અમે પાણી આપશું.---પુષ્કર પટેલ (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન )
છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યા : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટના નાના મૌવા વિસ્તારમાં આજે છ જેટલા અલગ અલગ સોસાયટીના સ્થાનિકો એકઠા થયા હતા. જ્યારે તેમને હાથમાં વિવિધ પ્લેમ્પ્લેટ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમની માંગણી છે કે, કોર્પોરેશન દ્વારા તેમને નિયમિત અને ફૂલ ફોર્સથી પાણી આપવામાં આવે, ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યાનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે. તેમજ આ મામલે વારંવાર કોર્પોરેશનમાં પણ રજુઆત કરી હતી. છતાં પણ હજુ સુધી પાણી મામલે તંત્ર દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કહેવામાં આવી નથી. જેને લઈને આજે સ્થાનિકો એકઠા થઈને રસ્તા પર ઉતર્યા હતા.