બેવડી ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકરવાની શક્યતાઓ રાજકોટ : રાજ્યમાં હાલ ઉનાળાની ઋતુ શરૂ છે. એવામાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે, ત્યારે બેવડી ઋતુમાં રોગચાળો વકરવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જેમાં રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે છેલ્લા બે ત્રણ દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. એવામાં આ કમોસમી વરસાદના કારણે રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ છે. જ્યારે તાપમાનનો પારો 40 ડિગ્રીથી એકાએક ઘટી ગયો છે અને તાપમાનમાં પણ ચારથી પાંચ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો છે. તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે શહેરીજનો હાલ સવારે ઠંડી બપોરે ગરમી એમ બે ઋતુનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો :Epidemic in Ahmedabad: અમદાવાદમાં હાથીપગાના 4 કેસ પણ ડરવાની જરૂર નથી
ગત અઠવાડિયે તાવના 306 કેસ નોંધાયા :અંગે રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી એવા ડો.જયેશ વાંકણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા અઠવાડિયાની વાત કરવામાં આવે તો મેલેરિયાની એક કેસ નોંધાયો છે. જ્યારે સામાન્ય તાવના 306 જેટલા કેસ સામે આવ્યા છે. આ સાથે શરદી ઉધરસના 47 જેટલા કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત ઝાડા ઊલટીના 83 કેસ નોંધાયા છે. જેમાં શરદી ઉધરસના કેસની વાત કરવામાં આવે તો ગત અઠવાડિયામાં રાજકોટમાં ગરમીનો પારો વધ્યો હતો. તેની અસર આ કેસ પર જોવા મળી છે. જ્યારે વાતાવરણમાં ફેરફારને લઈને આરોગ્ય અધિકારીઓ જણાવ્યું હતું કે, હાલ છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં ફેરફાર થયો છે, પરંતુ તેની અસરો શહેરમાં હજુ આરોગ્ય કેન્દ્ર પર જોવા મળી નથી. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. તેની આગામી દિવસોમાં અસર થઈ શકે છે.
આ પણ વાંચો :Surat News : કોરોના, લમ્પી અને હવે અશ્વમાં ગ્લેંડર નામનો રોગ, 6 અશ્વોને દયા મૃત્યુ આપ્યા
બેવડી ઋતુના લોકોએ બહારનું ખાવાનું ટાળવું :રાજ્યમાં એકાએક તાપમાનનો પારો ગગડ્યો છે. એવામાં રાજકોટવાસીઓ પણ છેલ્લા બે-ત્રણ દિવસથી બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે .જ્યારે બેવડી ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતાઓ જોવા મળતી હોય છે. એવામાં લોકોએ આ પ્રકારના વાતાવરણમાં ઘરની જ વસ્તુઓ ખાવાનું આગ્રહ રાખવો જોઈએ. આ સાથે જ ભેજ વાળા વાતાવરણ દરમિયાન ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ અને શક્ય એટલું ગરમ ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં શહેરીજનો ભારે ગરમીનો સામનો કરી રહ્યા હતા. જ્યારે હવે વાતાવરણમાં પલટો આવતા અચાનક લોકોને ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.