- દિવાળીને ધ્યાનમાં રાખીને પણ 100 જેટલી એક્સ્ટ્રા બસ દોડશે
- તહેવારોમાં ધાર્મિક સ્થળો પર મુસાફરોનો ધસારો જોવા મળતો હોય
- એસ.ટી બસ આગામી 28 તારીખે વિવિધ રૂટ ઉપર જોવા મળશે
રાજકોટ: આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે હાલ કોરોનાના કેસ પણ કાબૂમાં છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન વિવિધ જિલ્લાઓમાં શેરી ગરબાઓ રમવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક છે. એવામાં કોરોના પણ કાબૂમાં હોય લોકોમાં પણ દિવાળીના તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારમાં ધ્યાનમાં રાખીને 100 જેટલી એક્સ્ટ્રા એસટી બસ વિવિધ રૂટ ઉપર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસો આગામી 28 તારીખે વિવિધ રૂટ ઉપર જોવા મળશે.
મુસાફરોની સંખ્યા વધુ હશે ત્યાં દોડાવવામાં આવશે
સામાન્ય રીતે દિવાળી સહિતના તહેવારોમાં મુસાફરોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. લોકો પણ તહેવારો દરમ્યાન પોતાના વતન અથવા અન્ય ફરવાના સ્થળે જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે દિવાળીનો તહેવાર હાલ નજીક છે. એવામાં કોરોનાના કેસ પણ કાબૂમાં હોય જેને લઇને રાજકોટ એસટી વિભાગ દ્વારા દિવાળીને લઈને ખાસ 100 જેટલી એક્સ્ટ્રા બસ વિવિધ રૂટ ઉપર દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બસ જે રૂટ ઉપર મુસાફરોની સંખ્યા વધુ હશે ત્યાં દોડાવવામાં આવશે. જ્યારે દિવાળી ઉપર મુસાફરોનો ધસારો પણ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે એસટી વિભાગને પણ તહેવાર દરમિયાન બમણી આવક થતી હોય છે જેને લઇને આ નિર્ણય લેવાયો છે.
ધાર્મિક સ્થળો રૂટ પર શરૂ થશે એક્સ્ટ્રા બસો
રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી કલોતરા ETV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ખાસ 100 જેટલી એક્સ્ટ્રા બસો અમદાવાદ, ભાવનગર, જામનગર, સુરત, બરોડા જેવા મોટા શહેરોમાં ચલાવવામાં આવશે. જ્યારે ધાર્મિક સ્થળો એવા સોમનાથ અને દ્વારકા સહિતના સ્થળોએ પણ જ્યાં પ્રવાસીઓની સંખ્યા વધુ પ્રમાણમાં હશે તે સ્થળોએ આ બસો દોડાવવામાં આવશે.
તહેવાર દરમિયાન એસટી વિભાગને કરોડોની આવક
સામાન્ય રીતે રાજકોટમાં તહેવાર દરમિયાન એસટી વિભાગને કરોડો રૂપિયાની આવક થતી હોય છે. જ્યારે સાતમ-આઠમના તહેવાર દરમિયાન પણ સૌરાષ્ટ્રભરમાંથી મોટાભાગના મુસાફરો રાજકોટ ખાતેથી વિવિધ જગ્યાએ મુસાફરી કરી હતી. જેમાં રાજકોટ એસટી વિભાગને કરોડો રૂપિયાની આવક માત્ર પાંચ દિવસમાં થઈ હતી. એવામાં દિવાળીને ધ્યાનમાં રાખીને પણ 100 જેટલી એક્સ્ટ્રા બસો વિવિધ રૂટ પર એસ.ટી વિભાગ દ્વારા ચલાવવામાં આવનાર છે. જેને લઇને આ વર્ષે દિવાળી દરમિયાન પણ રાજકોટ એસ.ટી વિભાગની આવકમાં પણ બમણો વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.