રાજકોટ: રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ અગાઉ પણ તેના ઉપર લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં મામલે ગુનો નોંધાયેલો છે. બોગસ ડોક્ટર પાસેથી પોલીસે વિવિધ કંપનીઓની દવાઓ, ઇન્જેક્શન, બાટલા સહિતની વસ્તુઓ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર:રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જણાવ્યા અનુસાર તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમી મળી હતી કે રાજકોટ નજીક આવેલા ખોરાણા ગામમાં એક શખ્સ કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમ દ્વારા ખોરાણા ગામમાં દરોડા પાડી નકલી ડોક્ટરને રંગે હાથે પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપીની ધરપકડ:બોગસ ડોક્ટર પાસેથી વિવિધ કંપનીઓની દવાઓ, ઇન્જેક્શન અને બાટલા તેમજ દવાખાનામાં ઉપયોગમાં આવતા સાધનો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરીને શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હિરેન કાનાબાર હાલ રાજકોટના મોરબી રોડ નજીક આવેલા જકાતનાકા અક્ષરધામ સોસાયટીમાં રહે છે અને મૂળ ગીર સોમનાથ જિલ્લાનો વતની છે. જેણે રાજકોટમાં કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનું ખોલ્યું હતું.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે હિરેન મહેશભાઈ કાનાબાર નામનો શખ્સ અગાઉ પણ રાજકોટના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આ પ્રકારે બોગસ તબીબ બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ત્યારબાદ વધુ એક વાર શહેરના ખોરાણા ગામ ખાતે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર કરતો પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.
- Bogus Doctor in Patan : પાટણમાં નકલી ડોક્ટર સામે કાર્યવાહી, વધુ ચોંકાવનારી વિગતો મળી
- Fake Doctor: નકલી ડૉક્ટરની અસલી ધરપકડ, લોકોના જીવન સાથે કરતો હતો ચેડા