રાજકોટ : ચોમાસા દરમિયાન રાજકોટમાં ઠેર ઠેર રસ્તા પર ગાબડાઓ અને ખાડા પડવાની ઘટના સામે આવી રહી છે. જ્યારે શહેરના વોર્ડ નંબર 11માં મવડી વિસ્તારમાં જીવરાજ પાર્ક નજીક બેઠા પુલ પર ગાબડું પડી જતા કોંગ્રેસ દ્વારા અહીંયા હવન કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગાઉ ધોધમાર વરસાદ આવવાના કારણે શહેરની ભાગોળે આવેલા કોઠારીયા, વાવડી, ગોંડલ ચોકડી, મવડી ચોકડી સહિતના વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોમાં પણ રોષ સર્જાયો છે. એવામાં ખાડાઓને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
Rajkot News : રાજકોટમાં નવા બનેલા પુલ પર ગાબડું પડતા કોંગ્રેસે હવન કર્યો - Sitting bridge gap at Jivraj Park
રાજકોટના જીવરાજ પાર્ક નજીક બેઠા પુલ પર કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો. રસ્તા પર ખાડા પડતા કોંગ્રેસે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન કરીને વિરોધ કર્યો હતો. આ ઉપરાંત શહેરમાં વરસાદના કારણે ગંદકીને લઈને તંત્રની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
અમારા વિસ્તારમાં નવા બનેલા પુલ પર મોટો ભુવો પડ્યો છે. જ્યારે તેમને વધુમાં ભાજપ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 40 ટકા કમિશનની ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અમે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 11માં આવેલા પુલ ઉપર હવનનો કાર્યક્રમ કર્યો છે. તેમજ આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર અને આ પુલનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર તેમજ દલાલોને ભગવાન સદબુદ્ધિ આપે તેના માટે પ્રાથના કરી છે. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને વોર્ડ નંબર 11ના કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ હવન કરવામાં આવ્યો હતો.- પ્રકાશ વેજપરા (મહામંત્રી, કોંગ્રેસ રાજકોટ)
ગંદકી અને ખાડાનું સામ્રાજ્ય :રાજ્યમાં હજુ ચોમાસાની શરૂઆત થઈ છે. એવામાં રાજકોટમાં પણ એક અઠવાડિયા દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો હતો, ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી હતી. બીજી તરફ છેલ્લા બે દિવસથી રાજકોટમાં વરસાદ નથી, પરંતુ વરસાદના કારણે જે પાણી ભરાયા હતા. તેના કારણે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. જ્યારે શહેરના નવા પડેલા વિસ્તારોમાં ઠેર ઠેર રોડ રસ્તાઓ પર ખાડાઓ અને ગાબડાઓ જોવા મળી રહ્યા છે. આ સાથે જ મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.