રાજકોટમાં વાલ્મિકી સમાજ દ્વારા થાળી વાટકા સાથે ઉગ્ર વિરોધ કરાયો રાજકોટ : રાજકોટમાં સફાઈ કામદાર યુનિયન દ્વારા આજે ડો બાબાસાહેબ આંબેડકર ચોકથી થાળી વાટકા અને ઢોલ વગાડીને કોર્પોરેશન સુધી રેલી યોજવામાં આવી હતી. તેમજ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે સફાઈ કામદાર યુનિયનની માંગ છે કે, રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા 26 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરી નથી. તેને તાત્કાલિક કરવામાં આવે, આ સાથે જ સફાઈ કામદારની ભરતીમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તેને નાબૂદ કરવામાં આવે. જ્યારે આ માંગણી સાથે સફાઈ કામદાર યુનિયન દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :Rajkot News : મુખ્યપ્રધાન સફાઈ અભિયાન શરૂ કરાવીને નીકળ્યા બાદ બાલાજી મંદિર વિવાદમાં
છેલ્લા 26 વર્ષથી નથી થઈ કાયમી ભરતી :જ્યારે આ મામલે રાજકોટ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ ભેટિયાએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો ઉમટી પડ્યા છે. અમારી એક જ મુખ્ય માંગ છે કે રાજકોટ કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારોની ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવે અને કાયમી સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે. રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા 26 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી. જેના કારણે અમે માંગણી કરી રહ્યા છીએ કે, કોર્પોરેશન તાત્કાલિક કાયમી સફાઈ કામદારોની ભરતી કરે, જ્યારે અમારી માંગણી જો કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પણ કરશું.
આ પણ વાંચો :Cleaning Campaign : ભાજપના કાર્યકરો મંદિર વિસ્તારમાં સાફ સફાઈ કરીને ગયા બાદ જૈસે થે વેસે જેવા દ્રશ્યો
મોટી સંખ્યામાં વાલ્મીકિ સમાજ :ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં થોડા દિવસો અગાઉ બે સફાઈ કામદારના ભૂગર્ભ ગટરમાં ગુંગળાઈ જવાના કારણે મોતની નીપજ્યા હતા. જ્યારે વાલ્મિકી સમાજ દ્વારા આ મામલે ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી વાલ્મિકી સમાજ દ્વારા કોર્પોરેશન ખાતે હાથમાં થાળી વાટકા અને ઢોલ વગાડીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી જ કોર્પોરેશન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ વાલ્મિકી સમાજના માત્ર પાંચ જ લોકોને મનપા કમિશનરને મળવા માટે જવા દેવામાં આવ્યા હતા.