રાજકોટ: છેલ્લા ઘણા સમયથી ઉપલેટા-ધોરાજી વિસ્તારની અંદર જ્વલનશીલ પ્રવાહીનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે, જોકે સમયાંતરે પોલીસ દ્વારા કામચલાઉ કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવતો હોય છે. ત્યારે રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ઉપલેટા પાસેથી પોલીસે વોચ ગોઠવી એક ટેન્કરને અટકાવ્યું હતું, ચાલકની પુછપરછ કરતાં અને તપાસ કરતા આ ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી હોવાનું જણાયું હતું. આ ટેન્કરમાં 10,000 લિટર જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. પોલીસે આ અંગે કાર્યવાહી કરતા ટેન્કર સહિત 18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર ઝડપાયું: આ અંગે વધુ માહિતી આપતા તપાસ અધિકારી અને રાજકોટ રૂરલ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ભનુભાઈ મીયાત્રાએ જણાવ્યું હતું કે, એસ.ઓ.જી. તેમજ એલ.સી.બી. શાખાની ટીમ ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી અને તેના આધારે ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઈવે પર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ચાલકને ઝડપી લીધો હતો.