રાજકોટઃ દિવાળીના દિવસોમાં મીઠાઈ તેમજ ફરસાણના વેપારમાં તેજી જોવા મળે છે. આ દિવસોમાં લાલચુ વેપારીઓ ખાદ્ય પદાર્થોના વેચાણમાં વધુ નફો કમાવવા માટે ભેળસેળ પણ કરતા હોય છે. આ ભેળસેળને પરિણામે સરાજાહેર નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સ્થાનિક તંત્ર અવારનવાર તપાસ અને દંડ કરતું હોય છે. જેમાં આજે રાજકોટ મહા નગર પાલિકાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. કુલ 9 હજાર કિલો અખાદ્ય ફરસાણનો જથ્થો આરોગ્ય અધિકારીઓએ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot Crime News: દિવાળી અગાઉ રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 9 હજાર કિલો અખાદ્ય ફરસાણનો જથ્થો ઝડપ્યો - રાજકોટ
દિવાળીના દિવસોમાં સ્થાનિક તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોના વેપારીને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આજે રાજકોટ આરોગ્ય વિભાગે આ તપાસમાં સપાટો બોલાવ્યો છે. કુલ 9 હજાર કિલો અખાદ્ય ફરસાણનો જથ્થો ઝડપ્યો છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ
Published : Nov 3, 2023, 7:34 PM IST
|Updated : Nov 3, 2023, 9:42 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટ મહા નગર પાલિકાની હદમાં આવેલા મનહરપુર ગામ નજીક ભરત નમકીન નામની પેઢી આવેલી છે. આ પેઢીમાં મોટા પ્રમાણમાં ફરસાણ અને મીઠાઈનું ઉત્પાદન કરવામાં આવે છે. રાજકોટ આરોગ્ય વિભાગે આ પેઢીની મુલાકાત લીધી હતી. સ્થળ પર મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થોનો જથ્થો જોઈને અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી. કુલ 9000 કિલો અખાદ્ય ફરસાણનો જથ્થો અધિકારીઓએ જપ્ત કર્યો હતો. આ જથ્થો અનહાઈજેનિક કન્ડિશનમાં હતો. ખાદ્ય પદાર્થોના પેકેટ પર કોઈ બેચ નંબર કે એક્સપાયરી ડેટ જોવા મળી ન હતી. આ ઉપરાંત ઘટના સ્થળેથી પ્રતિબંધિત ફૂડ કલર્સ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. આ ખાદ્ય પદાર્થોના નિર્માણમાં ખાવાના સોડાને બદલે ધોવાના સોડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ધોવાનો સોડા પણ ગેરકાયદેસર હોવાનું જણાયું હતું.
ભરત નમકીન નામક ફરસાણ બનાવતી પેઢીની આરોગ્ય ટીમે તપાસ કરી હતી. અધિકારીઓને અહીંથી 9000 કિલો અખાદ્ય ફરસાણનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પ્રતિબંધિત સોડા, દાઝેલા તેલ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેકેટ પર કોઈ બેચ નંબર કે એક્સપાયરી ડેટ નહતી. અધિકારીઓએ આ તમામ અખાદ્ય પદાર્થના જથ્થાનો નાશ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે...ડૉ.જયેશ વાકાણી(આરોગ્ય અધિકારી, રાજકોટ મહા નગર પાલિકા)