રાજકોટઃવિદેશના પંખીઓ દર વર્ષે નિયત સમયે પોતાના દેશથી ભારતના ચોક્કસ સ્થળોએ કઇ રીતે આવી જતા હશે ! પંખીઓ રસ્તો કેમ શોધતા હશે ! તેઓ મૂળ સ્થાને ફરી કેમ પહોંચતા હશે દરેકને સવાલ થતો હોય છે. કુદરતની અફાટ સુંદરતા ધરાવતા યાયાવર પક્ષીઓમાં ગજબની શક્તિ હોય છે. હાલના ગાળામાં ઠંડા પ્રદેશમાં રહેવાની તથા ખોરાકની તકલીફ હોવાથી યાયાવર પક્ષીઓ બચ્ચાને જન્મ આપવા સાવ એકાંત અને છીછરા પાણીવાળી અને સહેલાઇથી ખોરાક મળી શકે તેવી જગ્યા વધુ પસંદ કરે છે. તેથી દર વર્ષે શિયાળાની ઋતુ આવતાની સાથે યાયાવર પક્ષીઓ હજારો માઈલનું અંતર કાપીને ભારત દેશના વિવિધ રાજ્યોને પોતાનું અસ્થાયી નિવાસસ્થાન બનાવે છે.
પ્રકૃતિ, પક્ષી અને પાણીનો અનેરો સમન્વય એટલે રાજકોટમાં આવેલું રાંદરડા તળાવ રાંદરડા તળાવ:ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છીછરી જળરાશિ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે. ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે. આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે - તે સ્થાન પર પહોંચતા હોય છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલી પ્રદ્યુમ્ન પાર્કની ટેકરીઓની ફરતે રાજાશાહી વખતનું આશરે 100 વર્ષથી વધુ પુરાણું રાંદરડા તળાવ પ્રકૃતિ, પક્ષી અને પાણીનાં સુભગ સમન્વય સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
રાજાશાહી વખતનું આશરે 100 વર્ષથી વધુ પુરાણું રાંદરડા તળાવ આ પણ વાંચો વિદેશી તો ઠીક નવસારીમાં સ્વદેશી પંખીઓ પણ ઘટ્યા, કકરાડ ખાલીખમ
તળાવનું નિર્માણ:રાંદરડા તળાવનું બાંધકામ વર્ષ 1889થી 1891 દરમિયાન કરવામાં આવ્યું હતું. જેની નજીકમાં જ આવેલું લાલપરી તળાવ વર્ષ 1995 થી 1998 દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મીઠા પાણીના છલોછલ તળાવો અને ખોરાક સહેલાઇથી મળી જતો હોવાથી વિદેશી પક્ષીઓ આ બંને તળાવો ઉપરાંત, ન્યારી ડેમ સહિતની સાઈટ ખાતે તેમના અસ્થાયી નિવાસસ્થાન બનાવે છે.
રાજકોટની ભાગોળે ફેલાયેલું રંગબેરંગી પક્ષીઓનું આહલાદક સૌંદર્ય આ પણ વાંચો સુરતના ગવિયર લેક તળાવે નોર્થ અમેરિકાથી આવતા વિદેશી પક્ષીઓનો થઇ રહ્યો છે વધારો
સુંદર પક્ષીઓ:રાંદરડા બીટના વનરક્ષક વિશાલ એચ.ડાંગર અને માનદ વાઈલ્ડ લાઈફ વોર્ડન ભાવેશ ત્રિવેદીએ પક્ષીઓ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બ્લેક નેક આઇબિસ (ધોળી કાંકણસાર), બ્લેકવિંગ સ્ટિલ્ટ(ગજપાવ), કુટ(ભગતડુ), ગ્રે હેરોન(કબૂત બગલો), ગ્રેટ વ્હાઈટ પેલિકન, પિંક બેકડ પેલિકન(ગુલાબી પેણ), બ્રાઉન હેડેડ, સુરખાબ, ગ્રેટર ફ્લેમિંગો, મલાર્ડ નીલશિર, ડેમોઝિલ ક્રેન (કરકરા), ગાર્ગેની, પીનટેલ, માટીના ગારામાંથી ખોરાક લેતાં કાળી પૂંછડીવાળા ગોડવિટ, રફ, સેન્ડ પાઈપર, પ્લોવર, સહિત અલગ અલગ જાતનાં સીગલ જેવા જુદી જુદી પ્રજાતિના રંગ-બેરંગી પક્ષીઓ સાથે અહીં તેનો કલરવ અને સુંદરતા નજીકથી જોવા મળે છે. આ તળાવ સહેલાણીઓ માટે યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ સ્થળ બની ગયું છે. જુદી જુદી પ્રજાતિના એક સાથે 200થી વધુ સુંદર પક્ષીઓને તેમના કુદરતી જીવનમાં નિહાળવા અને કલરવ સંભાળવા દૂર દૂરથી લોકો આવે છે.
પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે રાંદરડા તળાવ પક્ષીઓને નિહાળવા:રાજકોટ શહેરમાંથી લોકો વહેલી સવારે અથવા મોડી સાંજે આ જાતજાતના પક્ષીઓને નિહાળવા અને પક્ષીઓને ખોરાક ખવડાવવા પણ આવે છે. સૂર્યોદયના શ્રેષ્ઠ દ્રશ્યો સાથે પ્રકૃતિની ગોદ અને સુંદર મજાના પક્ષીઓના સુમધુર અવાજો એક આહલાદક અનુભવ કરાવે છે. પક્ષીઓનો કલરવ નિહાળવાનો નઝારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે. હજારો માઈલ દૂરથી ઊડીને આવતાં અવનવાં પક્ષીઓને નિહાળવાનો લ્હાવો રાજકોટવાસીઓને ઘરઆંગણે મળ્યો છે.
પ્રકૃતિ, પક્ષી અને પાણીનો અનેરો સમન્વય એટલે રાજકોટમાં આવેલું રાંદરડા તળાવ