રાજકોટઃ હાલ સમગ્ર ભારતમાં કોરોના વાઈરસની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને ભારતમાં જ્યાં કોરોનાના કેસ વધુ આવ્યા છે. તે વિસ્તારોને રેડઝોન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉનના કારણે મોટાભાગના ઉદ્યોગ ધંધા બંધ છે. જેને લઈને રોજનું કમાઈને રોજે ખાતા લોકો માટે મુશ્કેલી ઉભી થઇ છે.
ભારતભરના અલગ અલગ રાજ્યમાં કામ કરવા ગયેલા પરપ્રાંતિયો અને શ્રમિકો જેતે વિસ્તારમાં કામધંધા ચાલુ ન હોવાના કારણે ફસાયા છે. તેમની પાસે પૈસા ન હોવાના કારણે ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. જ્યારે સરકાર દ્વારા પોતાના વતનમાં જવા માટે ઇચ્છુક પરપ્રાંતિયો અને શ્રમિકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને પાસ મેળવીને પોતાના વતનમાં સ્પેશિયલ ટ્રેન મારફતે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ મોટાભાગના પરપ્રાંતિયો પોતાના વતન જવા ઇચ્છુક છે. પરંતુ તેમને ઓનલાઈન અરજી કરતા ન આવડતી હોવાના કારણે હાલ તેઓ ફોર્મ ભરી શકતા નથી. જેને લઈને પરપ્રાંતિયોને રજિસ્ટ્રેશન માટે ફોર્મ ભરવામાં મુશ્કેલી સર્જાય ન સર્જાય અને ફોર્મ ભરવા માટે મદદ મળી રહે તે માટે રાજકોટ પોલીસ આગળ આવી છે. તેમના માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, એટલે રાજકોટમાં કોઇપણ પરપ્રાંતિય 9033159011 નંબર પર વોટ્સએપ દ્વારા માહિતી મેળવી શકશે.