રાજકોટ:15 દિવસ પૂર્વે શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા એક કારખાનાની ઓરડીમાંથી એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે મામલે આજીડેમ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે આ મામલાનો આરોપીને આજીડેમ પોલીસે ઉત્તર પ્રદેશથી પકડી પાડ્યો છે.
પતિ-પત્ની વચ્ચે માથાકૂટ સર્જાઇ હતી:મૃતક મહિલાના પતિ દ્વારા જ તેની હત્યા કરવામાં આવી હતી. બનાવના આગલે દિવસે પતિ અને પત્ની બંને વચ્ચે માથાકૂટ સર્જાઇ હતી. ત્યારબાદ પતિ આવેશમાં આવી ગયો હતો અને પોતાની જ પત્નીની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે પોતાના વતન ઉત્તર પ્રદેશના બહાદુરપુરા ખાતે નાસી છૂટ્યો હતો. જેને આજીડેમ પોલીસે પકડી પાડ્યો હતો. જ્યારે હાલ આરોપીને રાજકોટ ખાતે લઈને આવવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
કારખાનાની ઓરડીમાંથી મળી હતી લાશ:આ ઘટનાની વાત કરવામાં આવે તો ગત તારીખ 21 - 6ના રોજ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા કાંગારુ કોર્પોરેશનના કારખાનાની અંદર ઓરડીમાં એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જ્યારે આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ મૃતક મહિલા કોણ છે તેની ઓળખ થઈ નહોતી. જેને લઈને પોલીસની અલગ અલગ ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. ત્યારે તપાસમાં સામે આવ્યું કે મૃતક મહિલા ઉત્તર પ્રદેશના બહાદુરપુરા ગામની રહેવાસી છે તેમજ તેનું નામ જાકીરાબાનું ઉર્ફ કર્કી ચાંદઅલી ગદ્દી છે. જ્યારે મહિલાની ઓળખાણ થતાં પોલીસને આરોપીની પણ બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ઉત્તર પ્રદેશના બહાદુરપુરા ખાતે જંગલ વિસ્તારમાં તપાસ કરી રહી હતી. રાજકોટ પોલીસે અહીંયા વેસ પલટો કરીને મોબીન જમીલ અહેમત નામના આરોપીને પકડી પાડ્યો હતો.
ઈદમાં વતન જવા મામલે થયો હતો ઝઘડો:પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ મૃતક મહિલા જાકિરાબાનું સાથે આ ગુનાના આરોપી એવા મોબિલે એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારથી બંને વચ્ચે અણ બનાવો બનતા હતા. જેના કારણે નજીકમાં જ બકરી ઈદનો તહેવાર હોય ત્યારે ઈદના તહેવારમાં પોતાના વતનમાં જવા માટે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પતિએ પોતાની પત્નીનું દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યારબાદ ઓરડીમાં બહારથી લોક મારીને તે પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતે નાસી છૂટ્યો હતો. જ્યારે છેલ્લા 15 દિવસ કરતાં વધારે સમયથી રાજકોટમાં થયેલી આ હત્યાનો ભેદ ઉકેલાયો નહોતો પરંતુ રાજકોટ પોલીસ દ્વારા આ મામલે ઉત્તર પ્રદેશમાં જઈને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. હાલ આ મામલે હવે આરોપીની વધુ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે..
- Ahmedabad Crime : જમાઈને આત્મહત્યા માટે મજબૂર કરી ફરાર થયેલો શિકારી પરિવાર ઝડપાયો, કેમ જીવન ટૂંકાવ્યું જૂઓ
- Morbi Crime: મહિલા પોલીસના બીભત્સ ફોટો-વિડીયો પરિવારને મોકલ્યા, પોલીસકર્મી હતો શામેલ