રાજકોટ:આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવનાર છે. દિવાળીના તહેવારમાં મીની વેકેશન જાહેર થતું હોય છે. જેના કારણે મોટાભાગના પરિવારો આસપાસના સ્થળે અથવા તો અન્ય જગ્યાએ ફરવા માટે જતા હોય છે. ત્યારે દિવાળી દરમિયાન અનેક ઘરફોડ ચોરીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ઘરફોડ ચોરીઓ અને અન્ય ગુન્હાઓ રોકવા માટે રાજકોટ પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. જેમાં તેઓ કોઈપણ સ્થળે ફરવા જતા હોય તો તે અંગેની માહિતી સોશિયલ મીડિયામાં ન જાહેર કરવાની પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
'દિવાળી પર બહાર ભલે જાવ પરંતુ.....', ચોરી, લૂંટ કે અન્ય બનાવોથી બચવા માટે શહેરીજનોને સાવચેતી રાખવા પોલીસની અપીલ - robbery or other incidents
જે લોકો ફરવા જતા હોય અને તેની માહિતી સોશિયલ મીડિયામાં મુક્ત હોય તેને લઈને રાજકોટ પોલીસે અપીલ કરી છે કે તેઓ માહિતી શેર ન કરે. પોલીસે અપીલ કરતા જણાવ્યું છે કે આવી સ્થિતિમાં ચોરીની સંભાવના વધી જાય છે. દિવાળીના તહેવાર પૂર્વે રાજકોટ સાયબર ક્રાઇમ એલર્ટ થયું છે.
Published : Nov 8, 2023, 6:48 PM IST
ફરવા જવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકવી:આ અંગે રાજકોટ સાઇબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકોને એવી ટેવ હોય છે કે તેઓ કોણ કોણ ફરવા જવાનું છે, કેટલા લોકો ફરવા જવાના છે, તેમજ તેઓ ક્યાં ફરવા જવાના છે અને કેટલા દિવસ માટે ફરવા જવાના છે. આ તમામ વિગતો તેઓ ફરવા જવાના હોય છે તે દરમિયાન સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર મુકતા હોય છે. જ્યારે તહેવાર દરમિયાન લોકો બહાર ફરવા જતા હોય છે. એવામાં ઘરે કોઈ હોતું નથી. તેમજ તેઓ જે વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં પણ ચોકીદાર કે પૂરતી લાઇટની વ્યવસ્થાઓ પણ હોતી નથી. એવા સમયે લેભાગુ તત્વો આવી જગ્યાઓને તાત્કાલિક આઇડેન્ટીફાઈ કરીને ત્યાં પોતાની ચોરીને અંજામ આપતા હોય છે.
રાજકોટ પોલીસે કરી અપીલ:એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ લોકો બહારગામ ફરવા જાય ત્યારે તેઓ ફરવા જવા અંગેની કોઈ પણ આ પ્રકારની વિગતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રાખે નહીં. જ્યારે જો કોઈ લોકોને બહાર ફરવા જવું હોય અને આ પ્રકારની સ્ટોરી તેમને સોશિયલ મીડિયા ઉપર રાખી હોય તો તે પણ તેમના પરિજનો અને નજીકના લોકો જ જોઈ શકે તે પ્રકારની સેટિંગ પ્રાઇવેસી તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રાખવી જોઈએ જેના કારણે અન્ય લોકોને આ તમામ બાબતોની જાણકારી મળી શકે નહીં અને ચોરી જેવી ઘટનાઓથી બચી શકાય છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં દિવાળીના તહેવાર છે. એવામાં લોકો બહાર ફરવા જતા હોય છે અને સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પોસ્ટ અને સ્ટોરીસ રાખતા હોય છે. જેને લઈને દિવાળીના તહેવાર પૂર્વે રાજકોટ સાયબર ક્રાઇમ એલર્ટ થયું છે.