રાજકોટ :રાજકોટના પેરા પાવરલિફ્ટર રામ બાંભવાએ ફરી એકવખત ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. પેરાએથલિય રામ બાંભવાએ ખેલો ઈન્ડિયા અંતર્ગત પેરા ગેમ્સની વેઈટ લિફટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે રામભાઈએ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી ઇતિહાસમાં પોતાનું નામ દર્જ કર્યું છે. જુઓ આ અહેવાલ...
રામભાઈનો "પાવર" પંચ :તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ખેલો ઇન્ડિયા અંતર્ગત દિવ્યાંગો માટે પ્રથમ વખત પેરા-ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના દિવ્યાંગ યુવાનોએ ભાગ લીધો હતો. જ્યારે રાજકોટના રામ બાંભવાએ આ ગેમ્સમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે વેઈટ લીફ્ટિંગમાં 72 KG કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે જ આગામી દિવસોમાં યોજાનાર પેરાલિમ્પિક ગેમ્સ માટે પ્રિકવોલિફાઈ થનાર પ્રથમ ગુજરાતી તરીકેનું નામ નોંધાવ્યું છે.
પેરાગેમ્સમાં ગોલ્ડ જીત્યો :આ અંગે રામ બાંભવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પેરા પાવરલિફ્ટર છું. તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ યોજાઈ હતી. આ ગેમ્સમાં 72 KG કેટેગરીમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ગેમ્સમાં મને ગોલ્ડ મેડલ મળ્યો, હવે હું આગામી દિવસોમાં યોજાનાર પેરાલિમ્પિક ગેમ્સમાં ક્વોલિફાઈ માટેની પ્રેક્ટિસ કરી રહ્યો છું. જેના ભાગરૂપે હું દરરોજ 4 કલાક વર્ક આઉટ કરી રહ્યો છું. જ્યારે પેરાલિમ્પિક માટે ક્વોલિફાઇ થયા બાદ હું ભારત માટે મેડલ લઈને આવું તેવી મારી આશા છે.