50 સ્વયંસેવકોની ટીમ રવાના રાજકોટ : અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી 22 અને 23 એમ બે દિવસ તમામ દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો હોય ત્યારે આ સેવા કામમાં રાજકોટના સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર તરફથી આ પ્રસાદ બનાવનાર અને આપનાર 50 જેટલા સ્વયમ સેવકોની એક ટીમને વાજતે ગાજતે અયોધ્યા પ્રસ્થાન કરાવ્યું હતું.
રઘુરામબાપાએ જાહેરાત કરેલીઆજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં શ્રી રામના મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ રઘુરામબાપાએ જાહેરાત કરેલી કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામના મદિરમાં શ્રી રામ લલ્લાને સવાર સાંજ થાળ ધરાવવામાં આવશે તે થાળ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે.
ટ્રેન મારફત રવાના : આગામી 22 મી જાન્યુઆરીના રોજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાનશ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને 22 અને 23 જાન્યુઆરી એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવશે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે આજે 50 જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી ટ્રેન મારફત રવાના થયું હતું.
ઢોલ નગારા સાથે પ્રસ્થાન : આ જલારામ મંડળ રવાના થયા પૂર્વે તમામ સ્વયમ સેવકોને મંદિર ખાતે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હારતોરા તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું. અને ઢોલ નગારા સાથે આ મંડળ મંદિરેથી પ્રસ્થાન કરી રેલ્વે સ્ટેશન તરફ પ્રયાણ કરતા રસ્તામાં ઠેર-ઠેર ફુલવર્ષા દ્વારા તમામને વધાવવામાં આવ્યા હતાં. જય શ્રી રામ, જય જલારામના નારા લગાવ્યા હતાં અને મંડળ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેનમાં સ્વયંસેવકોને જયશ્રી રામની ઘ્વજા હવામાં ફરકાવી વિદાય આપવામાં આવી હતી.
- અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વીરપુર જલારામ મંદિરની મોટી જાહેરાત
- નાનકડા વાલ્મિકી આશ્રમના કમલાકર મહારાજને રામમંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં મળ્યું આમંત્રણ