રાજકોટ : રાજકોટમાં રહેતા અને જામનગરના ધ્રોલ ખાતે પોતાના શિક્ષકના ઘરે રહીને બાલાચડી સૈનિક સ્કૂલની તૈયારી કરતા ધોરણ 6ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે. ત્યારે આ મૃતક વિદ્યાર્થીનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ હાથ ધરવામાં આવ્યું છે. એવામાં હવે બાળકનો પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ તેનું મોત ક્યાં કારણોસર થયું છે તે સામે આવશે.
ધ્રોલ ખાતે સૈનિક સ્કૂલની તૈયારી કરતો : સમગ્ર ઘટનાને પગલે આ વિદ્યાર્થીને સૈનિક સ્કૂલની તૈયારી કરાવતા શિક્ષક એવા રાજેન્દ્રભાઈ બારડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સૈનિક સ્કૂલ માટેના ગણિત વિષયની તૈયારી કરાવું છું ત્યારે મારે ત્યાં તૈયારી કરવા આવતા છોકરા 10 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે. આમાં પણ બધા છોકરાઓ ઊંઘી ગયા હતા.
હું 1 વાગ્યા સુધી જાગતો હતો ત્યાં સુધી બધું બરાબર હતું. એવામાં હું 3.30 વાગ્યાની આસપાસ જાગ્યો ત્યારે એક બાળક અલગ જગ્યાએ હતો. ત્યારે મે તપાસ કરી તો આ બાળક વ્રજને ઉઠાડીને પૂછવાની કોશિશ કરી કે તે અહી કેમ ઉઘ્યો છે. પરંતુ તેણે મને જવાબ નહી આપતા હું તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં પ્રથમ લઈ ગયો હતો. જ્યાં તબીબો હાજર ન હોઇ હું તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો...રાજેન્દ્રભાઈ બારડ(શિક્ષક)
બાળકને સુગર વધારે આવ્યું હતું : શિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં બાળકનું સુગર લેવલ ચેક કરીને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજકોટ અથવા જામનગર ખાતે બાળકને તાત્કાલિક ખસેડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટના અંગે મે વ્રજના પિતાને જાણ કરી અને અમે તેને રાજકોટ લઈને આવ્યા હતાં. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
એકમાત્ર દીકરાનું મોત : આ બાળકનું આખું નામ વ્રજ ગીરીશભાઈ સોરઠીયા છે. હું તેને ગણિત વિષયનો અભ્યાસ કરાવતો હતો અને અઠવાડિયામાં શનિ અને રવિવારે 7 જેટલા બાળકો માટે ત્યાં અભ્યાસ કરવા માટે આવતા હતાં. ત્યારે આ પ્રકારની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે વ્રજ ગીરીશભાઈ સોરઠીયા નામનો વિદ્યાર્થી મૂળ રાજકોટ ખાતે રહેતો હતો અને ધ્રોલ ખાતે તે રાજેન્દ્રભાઈ બારડને ત્યાં સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરવા માટે જતો હતો. ત્યારે પરિવારમાં એકમાત્ર દીકરાનું મોત થતાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.
- Kheda News: ખેડાના કપડવંજમાં ઉભા ઉભા ઢળી પડતા યુવકનું મોત, સીસીટીવી આવ્યા સામે
- Surat News : ચીકુનું બીજ શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકનું મોત, સુરતના ઉધનામાં બની ઘટના
- Vadodara News: એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વાતચીત દરમિયાન ઢળી પડ્યો, હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા