રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદો ઊભા થઈ રહ્યા છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડ મામલે કવિતા લખનાર પ્રોફેસર મનોજ જોશી સાથે શૈક્ષિક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધરણા યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રોફેસર મનોજ જોશી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ કૌભાંડો મુદ્દે કવિતા લખવામાં આવી હતી. ત્યારબાદ આ કવિતા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં પરંતુ તપાસ રિપોર્ટ આવ્યા બાદ ફરી મનોજ જોશીને નોકરી ઉપર પરત લેવામાં આવ્યા છે. જો કે આ વખતે મનોજ જોશીને ગુજરાતી ભવનના વડા બનાવવામાં આવ્યા નથી. જેને લઈને આ વિવાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.
મનોજ જોશીનો ખુલાસો જ્યારે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર મનોજ જોશી એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી સામે જે તપાસ સમિતિ રચવામાં આવી હતી. તે તપાસ સમિતિ દ્વારા સ્પષ્ટ રિપોર્ટ આપવામાં આવ્યો છે કે હું નિર્દોષ છું.
હું નિર્દોષ જાહેર થયા પછી મને હાજર કરવા માટેનો જે ઓર્ડર થયો એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેને મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. તેમ છતાં છેલ્લા 15થી 20 દિવસથી ગુજરાતી ભવનના અધ્યક્ષ તરીકે હું કાર્યરત ના હોઉં તેવું વર્તન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરત ફરજ ઉપર લેવામાં આવ્યો હતો. જ્યારે હાજર રિપોર્ટમાં પણ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે હું ગુજરાતી ભવનના પ્રોફેસર તેમજ અધ્યક્ષ તરીકે ફરજ ઉપર હાજર થાઉં છું. ત્યારે કોઈ અગમ્ય કારણોસર મારી સાથે આવા બનાવો બની રહ્યા છે. જ્યારે હવે આ મામલે આગામી સોમવારથી હું ગાંધીજીના માર્ગે પ્રતીક આંદોલન કરવાનો છું...પ્રોફેસર મનોજ જોશી(સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)