રાજકોટ : થોડા દિવસો અગાઉ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ સોશિયલ મીડિયામાં કોમેન્ટમાં લખ્યું હતું કે તેઓ ભાજપના એક નજીકના નેતા પાસેથી કરોડો રૂપિયા માંગે છે પરંતુ રામ મોકરીયાએ આ નેતાનું નામ આપ્યું નહોતું. જ્યારે આ મામલે આડકતરી રીતે જણાવ્યું હતું કે તે નેતા તાજેતરમાં જ અન્ય રાજ્યમાં નિવૃત્ત થયા છે અને હાલ રાજકોટમાં છે. જ્યારે મારે તેમની સાથે પારિવારિક સંબંધ હોઇ હું તેમનું નામ આપી શકું એમ નથી. રામ મોકરીયાએ પોતે કરોડો રૂપિયા આ નેતાને આપ્યા હોવાના પુરાવા પણ પોતાની પાસે હોવાની પણ વાત કરી હતી.
કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કર્યા ગંભીર આક્ષેપ : ત્યારે આજે આ મામલે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રામ મોકરિયા જો કરોડો રૂપિયા કોઈ પાસે માંગતા હોય તો તેમણે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારી ફોર્મમાં તેની વિગતો કેમ દર્શાવી નથી. રામ મોકરીયાએ અન્ય લોકોના નામ દર્શાવ્યા છે. જેમની પાસે તેઓ પૈસા માંગે છે. પરંતુ આ કરોડો રૂપિયા જેમની પાસે માંગે છે તેમનું નામ રામ મોકરીયાએ દર્શાવ્યું નથી. જેના કારણે તેમણે આ ઉમેદવારી ફોર્મમાં ખોટી વિગતો દર્શાવી હોવાનું સ્પષ્ટ થાય છે.
ફેબ્રુઆરી 2021ના રોજ રામ મોકરીયાએ રાજ્યસભાની ચૂંટણી માટેનું સોગંદનામું નોટરી કરીને પોતાની ઉમેદવારી ભરી હતી. આ સોગંદનામામાં ઇલેક્શન અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું. ત્યારે હું આ મામલે એવું માનું છું કે રામ મોકરિયાએ સોશિયલ મીડિયામાં પોતાની વાત જે રીતના રજૂ કરી છે તેઓ વર્ષ 2008 અને 2011 દરમિયાન થયેલા નાણાકીય વ્યવહાર મુજબ ભાજપના રાજકોટના સિનિયર નેતા પાસે કરોડો રૂપિયા માંગે છે. જેની સામે રામ મોકરીયાએ આ સોગંદનામામાં જે વિગતો દર્શાવી છે તેમાં કોઈ પણ પ્રકારની કરોડો રૂપિયાની નાણાકીય વ્યવહારનો લેવડદેવડનો હિસાબ નથી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે રામ મોકરીયાએ રાજ્યસભાની ચૂંટણીમાં ખોટું સોગંદનામુ રજૂ કર્યું છે. જેને લઈને હવે આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા રામ મોકરિયાને રાજ્યસભાના સાંસદ પદેથી દૂર કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.જેને લઈને વકીલો સાથે પણ બેઠક કરવામાં આવશે...મહેશ રાજપૂત(કોંગ્રેસના નેતા )