રાજકોટ : રાજકોટ શહેરના વિકાસની સાથે સાથે શહેરના વિસ્તારમાં પણ વધારો રહ્યો છે. એવામાં રાજકોટમાં ગુનાખોરી વધી છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા ગુન્હાખોરી રોકવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે રાજકોટ પોલીસે શહેરમાં ચોરી, લૂંટ, મોબાઇલ ચોરી, વાહન ચોરી તેમજ રોકડ રૂપિયા સહિતની ચોરી અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ તેમનો મુદ્દામાલ પરત આપ્યો છે. જેની કિંમત અંદાજિત રૂ.1 કરોડથી વધુની થાય છે. ત્યારે અલગ અલગ ગુનાખોરીનો ભોગ બનનાર અરજદારોને આજે પોલીસે દિવાળીની ખુશી આપી હતી.
રાજકોટ પોલીસનો અર્પણમ કાર્યક્રમ :આ અંગે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસના ઝોન 2 વિસ્તાર હેઠળ આવતા અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા હતા.
આ મુદ્દામાલને અલગ અલગ અરજદારોને પરત કરવા માટે આજે રાજકોટ પોલીસ દ્વારા અર્પણમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અંદાજિત 101 જેટલા અરજદારોને રૂ.1 કરોડ 20 લાખથી વધુનો મુદ્દામાલ પરત સોંપવામાં આવી છે. જેમાં અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, દાગીના, વાહનો તેમજ સાયબર ક્રાઇમમાં જે રોકડ રકમ ગઈ હોય તે આ તમામ વસ્તુઓને અરજદારોને પરત કરવામાં આવી હતી...રાજુ ભાર્ગવ ( પોલીસ કમિશનર )
આગામી દિવસોમાં આવા કાર્યક્રમ યોજાશે : પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજકોટ પોલીસ દ્વારા રૂ.5 કરોડથી વધુના મુદ્દામાલને અરજદારોને પરત કરવામાં આવ્યા છે. આજનો કાર્યક્રમએ એક નાનકડી શરૂઆત છે. જે આગામી દિવસોમાં પણ શરૂ રાખવામાં આવશે. આ સાથે જ રાજકોટ પોલીસનો જે અભિગમ છે તેને અલગ અલગ અરજદારો પાસે પહોંચાડવાની આ અમારી એક કોશિશ હતી.
છ પોલીસ મથકનો મુદ્દામાલ પરત : ઉલ્લેખનીય છે કે રાજકોટ ઝોન 2 વિસ્તાર હેઠળ અલગ અલગ છ જેટલા પોલીસ મથક આવે છે. જ્યાં ચોરી, છેતરપિંડી, વાહન ચોરી, મોબાઈલ ચોરી, સહિતના ગુનાઓ નોંધાયા હતા. જેને પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યા હતા. ત્યારે દિવાળીના તહેવારને લઈને અરજદારો ને પોતાની વસ્તુઓ પરત મળે તે માટે તેમની ચોરાયેલી વસ્તુઓ અને મુદ્દામાલ પોલીસે પરત આપ્યો હતો.
- Ahmedabad Crime : સાયબર ઠગાઈનો શિકાર બનેલા લોકોને નાણાં પરત મળતાં થયાં, અમદાવાદ જિલ્લા એસપીની ઝૂંબેશ જાણો
- 'દિવાળી પર બહાર ભલે જાવ પરંતુ.....', ચોરી, લૂંટ કે અન્ય બનાવોથી બચવા માટે શહેરીજનોને સાવચેતી રાખવા પોલીસની અપીલ