અડદિયાનું વેચાણ પૂરજોશમાં રાજકોટ : હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ છે. એવામાં શિયાળાની ઋતુ દરમિયાન મોટા પ્રમાણમાં લોકો અડદિયા આરોગતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી સેન્ટ્રલ જેલના કેદીઓ પણ દર વખતે શિયાળા દરમિયાન અડદિયાનો પાક મોટા પ્રમાણમાં બનાવતા હોય છે. જેનું વેચાણ પણ કરવામાં આવતું હોય છે. જ્યારે સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલા અડદિયાના કારણે લાખ્ખો રૂપિયાનો વેપાર પણ થાય છે.
અડદિયાનું વેચાણ પૂરજોશમાં : હાલ શિયાળાની ઋતુૂ છે ત્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલા અડદિયાનું વેચાણ પૂરજોશમાં થઈ રહ્યું છે. દર વર્ષે શિયાળા દરમિયાન રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ અડદિયા બનાવે છે. જેને લઇને રાજકોટના જેલ અધિક્ષક શિવમ વર્માએ મીડિયા સાથેની વાતચીત કરી હતી.
છેલ્લા 10 વર્ષથી રાજકોટ જિલ્લા અલગ અલગ પાકા કામના કેદીઓ દ્વારા દર વર્ષે શિયાળામાં અડદિયા બનાવવામાં આવે છે. જ્યારે આ સિવાયની 26 જેટલી બેકરી આઈટમો પણ આ કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે. ગયા વર્ષે શિયાળા દરમિયાન બનાવવામાં આવેલા અડદિયાથી તંત્રને રૂપિયા 10 લાખથી વધુની આવક થવા પામી હતી. જ્યારે આ વર્ષે તારીખ 6 ડિસેમ્બર 2023થી અડદિયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેના થકી અત્યાર સુધીમાં અંદાજિત રૂપિયા 4 લાખથી વધુના અડદિયા વેચાઈ જ ગયા છે. આ અડદિયા રાજકોટ સેન્ટ્રલ જેલના અલગ અલગ વિસ્તારમાં બનાવેલી આવેલી કેન્ટિંનમાં વેચવામાં આવી રહ્યા છે આ સાથે જ બેકરીની આઈટમ પણ વેચવામાં આવે છે...શિવમ વર્મા (રાજકોટ જેલ અધિક્ષક )
હાલ જેલમાં 2200 જેટલા કેદીઓ : રાજકોટ સેન્ટ્રલ જેલની વાત કરવામાં આવે તો હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં 2200 કેદીઓ બંધ છે. એવામાં અહીં 262 જેટલા કેદીઓ એવા છે કે જેઓ જેલમાં રહીને જ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને રોજગારી મેળવી રહ્યા છે. રાજકોટ જેલમાં અડદિયાની સાથે કેદીઓ બેકરી આઈટમ પણ બનાવે છે. તેમજ આ અહીં સુથાર વિભાગ છે જ્યાં અલગ અલગ ફર્નિચરનું કામ પણ કરવામાં આવે છે. જ્યારે કેદીઓ આ પ્રકારના નાના મોટા કામ કરીને પોતાના પરિવારને પણ આર્થિક મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જેલમાં કેદીઓની સંખ્યા વધારે હોવાના કારણે તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં નવી જેલ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- શિયાળાનો કિંગ એટલે અડદિયા, જાણો કેવી રીતે બને છે અને કઈ રીતે છે ફાયદાકારક
- Surat News: પેઈન્ટિંગ દ્વારા રજૂ થઈ કેદીઓના મનની અભિવ્યક્તિઓ, સુરતની વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં 130 પેઇન્ટિંગનું પ્રદર્શન