સુરક્ષા વ્યવસ્થા ચોકચોબંધ રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ 27 તારીખના રોજ રાજકોટમાં હાજરી આપવાના છે. જેમાં પીએમ મોદી બપોરે 3 વાગ્યાની આસપાસ રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે સ્પેશિયલ પ્લેન મારફતે ઉતરાણ કરશે. જ્યાં તેઓ રાજકોટના નવા નિર્માણ થયેલા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. આવતીકાલે ત્રણ વાગ્યાથી પીએમ મોદી રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમો હાજરી આપશે અને છ વાગ્યાની આસપાસ પીએમ મોદી રાજકોટથી અમદાવાદ જવા માટે રવાના થશે એટલે કે રાજકોટમાં પીએમ મોદી ત્રણ કલાક જેટલો સમય વિતાવશે. જેમાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
પીએમ મોદીનીરેસકોર્સ ગ્રાઉન્ડ પર જનસભા : હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણ બાદ પીએમ મોદી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રાજકોટના જૂના એરપોર્ટ ખાતે વિમાન મારફતે આવશે અને અહીંથી તેઓ મોટર માર્ગે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જશે. જ્યાં પીએમ મોદી 1 લાખ કરતા વધુ લોકોને સંબોધન કરશે.રાજકોટમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમોમાં સુરક્ષાને લઇને કોઈપણ જાતની કચાસ બાકી ન રહી જાય અને મોદીની સુરક્ષાને લઈને રાજકોટ પોલીસ એલર્ટ થઈ છે. જ્યારે મોદીના એક દિવસના કાર્યક્રમને લઈને રાજકોટમાં 3 હજાર કરતા વધુ પોલીસકર્મીઓ આ કાર્યક્રમ દરમિયાન ફરજ બજાવશે.
14 જેટલા રસ્તાઓ બંધ : રાજકોટમાં પીએમ મોદીના કાર્યક્રમ માટે 14 જેટલા રસ્તાઓ બંધ રાખવામાં આવશે. આ મામલે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ શહેરમાં પીએમ મોદીના કાર્યક્રમને લઈને આ રસ્તાઓ બંધ રાખવામાં આવશે, જ્યારે 6 જેટલા રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટમાં અંદાજિત 1300 બસો મોદીના કાર્યક્રમમાં આવશે. જે માટે પોલીસ વિભાગ દ્વારા માટે બસો માટે જ છ પાર્કિંગ બનાવમાં આવ્યા છે. બીજી તરફ મોદીના કાર્યક્રમમાં આવતા VVIP માટે પોલીસ વિભાગ દ્વારા 11 પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. તેમજ 12 જેટલા જનરલ પાર્કિંગ રાખવામાં આવ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં.
પોલીસ તંત્ર સજ્જ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત સમયે બંદોબસ્તને લઈને રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી એક દિવસ માટે રાજકોટમાં આવનાર છે. જેમાં પીએમ મોદીના રાજકોટમાં બે કાર્યક્રમ છે. જેના માટે રાજકોટ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજકોટના નવા એરપોર્ટ અને જૂના એરપોર્ટ તેમજ સભા સ્થળે અને ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે કુલ 3019 જેટલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. જેમાં 1 પોલીસ કમિશનર, 4 DCP, 5 SP, DYSP 18, PI 60 અને PSI 169 સહિત મહિલા પોલીસ કર્મીઓ, ઘોડા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિક વોર્ડન સહિત કુલ 3019 જેટલા કર્મચારીઓ ખડેપગે રહેશે...રાજુ ભાર્ગવ(પોલીસ કમિશનર)
1300 બસો સભાસ્થળે આવશે : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે ખૂબ જ મહત્વનું છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી 1300 જેટલી બસો સભા સ્થળે આવનાર છે. જેના માટેની અલગ અલગ જગ્યા ઉપર પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આ રસ્તાઓ ખુલ્લાં રહેશે : રાજકોટમાં ગીતગુજરી મેઈન રોડથી આરાધના સોસાયટી મેઈન રોડથી રેલવેે ટ્રેક અને રૈયા રોડ કોટેચા ચોક તરફથી જઈ શકશે. ચાણક્ય બિલ્ડીંગ ચોકથી તમામ પ્રકારનાં વાહનો થ્રોફરોડથી ટ્રાફિક શાખા, જામનગર રોડથી જઈ શકશે. સરકીટ હાઉસ આઉટ ગેઈટ આકાશવાણી રોડથી તમામ પ્રકારનાં વાહનો ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડથી ટ્રાફિક શાખાથી જામનગર રોડ તરફ જઈ શકશે. ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોક / કિશાનપરા ચોક તરફ જવા માટે તમામ પ્રકારનાં વાહનો ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફરોડથી ટ્રાફિક શાખાથી જામનગર રોડ તરફ જઈ શકશે. કોટેચા ચોક, સ્વામીનારાયણ મંદિરથી મહીલા અંડર બ્રિજ, ટાગોર રોડ તફર જવા માટે અમીન માર્ગ લક્ષ્મીનગર બ્રિજથી જઇ શકાશે અને આમ્રપાલી અંડર બ્રિજ અને કિશાનપરા ચોક જવા માટે હમુમાન મઢી ચોક, નિર્મળા રોડ, કોટેચા ચોકથી અમીન માર્ગ, લક્ષ્મીનગર બ્રિજથી જઇ શકાશે.
રુટ ડાયવર્ટ કરાયા : પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યાના સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા બે દિવસ અગાઉ જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને કેટલાક રસ્તાઓ વન-વે જાહેર કરવામાં આવે છે તો કેટલાક રુટોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને કેટલાક રૂટો જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે પીએમ મોદીનો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જાહેરનામું યથાવત રહેશે.
સૌરાષ્ટ્રભરના ભાજપના હોદ્દેદારો હાજર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટમાં વિશાળ જનસભા યોજાનાર છે. જેને લઇને ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્ર ભરના ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો, તેમજ નગરપાલિકાના સભ્યો મેયર અલગ અલગ ગામના સરપંચો સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.જેમાં એક લાખથી વધુ લોકો અહીંયા ઉમટી પડવાની શક્યતાઓ છે. ત્યારે ભાજપ દ્વારા પણ વધુમાં વધુ સંખ્યામાં લોકો કાર્યક્રમ સ્થળે આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
- Rajkot News: પીએમ મોદીના રાજકોટ પ્રવાસને લઈને કડક બંદોબસ્ત, 3 હજાર જેટલા પોલીસ કર્મીઓ રહેશે ખડેપગે
- Rajkot News: PM મોદી 27 જુલાઈએ રાજકોટમાં કરશે સંબોધન, હીરાસર એરપોર્ટનું કરી શકે છે લોકાર્પણ
- Rajkot Airport: રાજકોટ હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ મામલે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ટ્વીટ