30 કરતાં વધુ નાગરિકો રાજકોટ આવી પહોંચ્યાં રાજકોટ : હાલમાં સુદાનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. ત્યારે સુદાનમાં રહેલા અન્ય દેશના નાગરિકો પોતપોતાના દેશમાં પરત જોઈ રહ્યા છે. એવામાં ભારતના નાગરિકોને પણ સરકાર દ્વારા ઓપરેશન કાવેરી અંતર્ગત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટના 30 કરતાં વધુ નાગરિકો આજે બપોરના સમયે બસ મારફતે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતાં.
હાશકારો અનુભવ્યો : આ તમામ લોકોને સુદાન ખાતેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેઓ પહેલા અમદાવાદ અને ત્યારબાદ ત્યાંથી બસ મારફતે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે આ લોકોએ રાજકોટ આવ્યા બાદ હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુદાનમાં છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધની પરિસ્થિતિ છે અને તેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓ પણ ત્યાં મળી નથી રહી, એવામાં અનેક ભારતીઓ પણ ત્યાં ફસાયેલા છે. ત્યારે આજે 30 જેટલા રાજકોટવાસીઓ પોતાના વતન ખાતે આવી પહોંચતા તેમના પરિવારજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
આ પણ વાંચો Sudan Conflict: સુદાનમાં 72 કલાક માટે યુદ્ધવિરામની જાહેરાત, ચાર દેશોએ નિર્ણયને આવકાર્યો
પ્રોપર્ટી મૂકીને હેમખેમ આવ્યાંની લાગણી : જ્યારે આ મામલે સુદાનથી રાજકોટ આવેલા વિપીન મહેતાએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજુ પણ સુદાનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. જ્યારે અમે સુદાનથી નીકળ્યા ત્યારે પણ ત્યાં બોમ્બમારો, ફાયરિંગ સહિતની વસ્તુઓ જોવા મળી રહી હતી. જે હજુ પણ એમને એમ સતત ચાલુ જ છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે અમે અમારું ઘર, મકાન, સ્કૂટર સહિતની મિલકત એમનેમ ત્યાં મૂકીને આવતા રહ્યા છીએ. હાલ અમે માત્ર જે કપડાં પહેર્યા છે તે સાથે લઈને જ આવ્યા છીએ. બાકી બધી વસ્તુઓ અમારી ત્યાં એમનેમ પડી છે.
યુદ્ધ અંગેની માહિતી આપી :જ્યારે વિપીન મહેતાએ યુદ્ધ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે ત્યાં તે દેશના પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડન્ટ બંને સામસામે આવી ગયા છે. જેના કારણે સુદાનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. સુદાનમાં અંદાજિત 4000 જેટલા ભારતીયો વસતા હતાં. તેમાંથી અંદાજીત 2000 જેટલા ભારતીયો આવી પહોંચ્યા છે. જ્યારે 2000 જેટલા ભારતીયો હજુ પણ ત્યાં જ છે અને એમાં 500 જેટલા ગુજરાતીઓ હજુ ત્યાં ફસાયેલા છે.
આ પણ વાંચો Operation Kaveri: ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી અત્યાર સુધીમાં 530 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા
સુદાનમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત : વિપીનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હાલ સુદાનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય એટલે લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. જ્યારે દુકાન સહિતની વસ્તુઓ પણ બંધ જોવા મળી રહી છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હું 65 વર્ષથી ત્યાં રહું છું અને મારો જન્મ જ સુદાનમાં થયો છે. સુદાનમાં મારે ઇલેક્ટ્રીક બાઈક અને સ્પેસપાટ્સનો ધંધો હતો. જે તમામ વસ્તુઓ અમે ત્યાને ત્યાં મૂકીને આવ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ઓપરેશન કાવેરી અંતર્ગત ભારત સરકાર દ્વારા સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. જેને લઈને રાજકોટના પણ 30 થી વધુ નાગરિકો આજે બપોરના સમયે બસ મારફતે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે તેમનું સ્વાગત વહીવટી તંત્ર દ્વારા ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું. સુદાનથી હેમખેમ પરત ફરતા રાજકોટવાસીઓ પોતાના પરિવારજનોને મળ્યા હતા અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.