ગાંધીબાપુના ચશ્મા કોણ ઉતારી જાય છે તેની ચર્ચા ધોરાજી : રાજકોટના ધોરાજીમાં રાષ્ટ્રપિતા ગાંધી બાપુની મૂર્તિના ચશ્મા ફરીવાર ગાયબ થઈ ગયા છે. જો કે આ બેદરકારીને લઈને લોકોમાં તંત્ર ખૂબ જ સામે રોષ જોવા મળી રહ્યો છે. અહીં ગાંધીજીની પ્રતિમા સાથે આ પ્રકારની ઘટના ભૂતકાળમાં પણ અનેકવાર થઈ છે. જાહેર ચોકમાંથી ગાંધીજીના ચશ્મા કોણ ઉતારીને લઈ ગયું તે સૌથી મોટો સવાલ થાય છે.
પહેલાં પણ ચશ્મા કાઢી નખાયાં હતાં :ધોરાજી શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા જાહેર ચોકની અંદર મૂકવામાં આવેલી ભારત દેશના રાષ્ટ્રપિતાની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ફરી એક વખત છનછેડવામાં આવી છે. આ પ્રકારની ઘટના ધોરાજી શહેરમાં પ્રથમ વખત નથી બની પરંતુ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ગઈ છે જેમાં ભૂતકાળની અંદર પણ આવી અભદ્ર કામગીરી કરનાર વ્યક્તિ સામે પગલાં નથી લેવાયા અને તેઓને ઝડપી લઇ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરવામાં આવી જેને કારણે આવારા તત્વો આ પ્રકારની અભદ્ર કામગીરી ફરી એક વખત સામે આવી છે.
આ પણ વાંચો Mahatma Gandhi : ધોરાજીમાં ગાંધી બાપુના ચશ્મા ગાયબ, કોણ ચોરી ગયું?
સીસીટીવી છે છતાં પગલાં નથી લેવાતા : ધોરાજીમાં બનેલી આ ઘટના અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાનીએ જણાવ્યું છે કે, આ પ્રતિમા સાથે અવાર-નવાર આ પ્રકારની ઘટના બને છે. અહીંયાના તોફાની તત્વ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાના ચશ્માં સાથે છેડછાડ કરી અને ચશ્મા ઉતારી લેવાની કામગીરીઓ કરવામાં આવે છે. થોડા દિવસ પૂર્વે જ મહાત્મા ગાંધીજીના ચશ્મા કોઈએ ઉતારી લીધા હતા પરંતુ તંત્રએ પહેરાવેલા ચશ્મા ફરી એક વખત ઉતારી દેવાયા છે. આ વિસ્તારની અંદર ઘણા ખરા સીસીટીવી કેમેરાઓ પણ આવેલા છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા નથી જેના કારણે આવા તત્વો આ પ્રકારનું કૃત્ય કરવામાં હિંમત દાખવી લે છે. મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ કરવા વાળા વ્યક્તિઓ સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આવા ફરીથી બનાવ ન બને તે માટે તંત્રએ પોતે પોતાની જવાબદારી નિભાવી તકેદારી રાખવી જોઈએ તેવી માગ કરી છે.
તપાસ કરવામાં આવશે : ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, મીડિયાના માધ્યમથી તેમજ અન્ય સ્થાનિક લોકો પાસેથી ફરિયાદ મળી છે કે, ધોરાજી શહેરના ત્રણ દરવાજા પાસે સ્થાપવામાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પરથી કોઈએ ચશ્મા ઉતારી લીધા છે. આ પ્રકારનો બનાવ ભૂતકાળમાં પણ બનેલો હતો જેમાં નગરપાલિકાએ પ્રતિમામા પુનઃ ચશ્મા પહેરાવવામાં આવ્યા હતા. આ ઘટના ફરી એક વખત બનતા નગરપાલિકા તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરવામાં આવશે તેવું જણાવ્યું છે. આ બાબતે સંબંધિત પોલીસ અધિકારીને પણ આ અંગે જણાવવામાં આવશે તેવું ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ જણાવ્યું છે. આ પ્રકારનું કૃત્ય કરનાર જો કોઈ આવારા તત્વો જડપાસે તો તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.
આ પણ વાંચો મહાત્મા ગાંધીજીના ચશ્મા સાચવવામાં તંત્ર નિષ્ફળ
કાયદો અને વ્યવસ્થાની ઢીલી નીતિ : આ પ્રકારની ઘટના ત્રણ વખત બની ચૂકી હોવાનું ખુદ ચીફ ઓફિસર સ્વીકારે છે જે બાદ સ્થાનિક ટ્રાફિક જવાનો સહિતનાઓને આ અંગે જાણ કરી આવારા તત્વો જણાય તો તેમના ઉપર એક્શન લેવાની અને પગલાં લેવાની પણ તૈયારી ચીફ ઓફિસર દાખવી છે.પહેલાં આ પ્રકારનું કૃત્ય થયું ત્યારે મીડિયાના અહેવાલ બાદ તંત્રએ પુનઃ ચશ્મા પહેરાવ્યા હતા. જેમાં ચશ્મા પહેરાવ્યાના 24 કલાક બાદ ફરી એક વખત ચશ્મા ગાયબ થઈ જતા સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઢીલી પડતી હોય તેનો લાભ લઇ આવારા તત્વો આતંક મચાવતા હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. આ અંગે ધોરાજીની જનતા પણ પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી તેને લઈને પણ અગાઉ પણ અનેક સવાલો ઉઠાવી ચૂકી છે ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની ઢીલી નીતિ સાબિત કરી દીધી છે.