વેપાર માટેના નવા વર્ષની શરૂઆત રાજકોટ : દિવાળીના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં દિવાળીના દિવસે લોકો ખાસ લક્ષ્મીપૂજન કરતા હોય છે અને ત્યારબાદ ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે. મોટાભાગે વેપારીઓ દ્વારા આ ચોપડા પૂજન કરવામાં આવે છે. એવામાં રાજકોટમાં પણ લોકો દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને હાલ નવા ચોપડાની પણ ખરીદી કરી રહ્યા છે.
દર વર્ષે 15થી 20 ટકા વધારે ચોપડા વેચાય છે : વેપારી રાજકોટમાં સાંગણવા ચોકમાં મહારાણીદાસ વલ્લભદાસ શાહ નામની અંદાજિત 90 વર્ષ કરતા પણ વધુ જૂની પેઢી છે. જે ચોપડા સહિતની સ્ટેશનરીની વેચાણનું કામ કરે છે. એવામાં આ અંગે પેઢીના વિપુલભાઈ શાહે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વર્તમાન સમયમાં લોકો પણ સનાતન ધર્મને વધુમાં વધુ પ્રોત્સાહિત કરી રહ્યા છે. જેને લઇને તેઓ લક્ષ્મી પૂજન તરફ વળતા જાય છે. જ્યારે યુવાવર્ગ પણ એમાં જોડાઈ રહ્યો છે. લોકો દિવાળીના દિવસે સૌ પ્રથમ લક્ષ્મી પૂજન કરીને ત્યારબાદ ચોપડાનું પણ પૂજન કરે છે. તેમજ પોતાના વિક્રમ સવંત મુજબના નવા વર્ષની શરૂઆત કરે છે...વિપુલભાઈ શાહ (ચોપડા વિક્રેતા)
શુકન સાચવવા માટે કરે છે ચોપડાની ખરીદી : ચોપડાના વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ચોપડા પૂજનનું મહત્વ વધ્યું હોય તેમ દર વર્ષે અમારી પેઢી દ્વારા 15થી 20 ટકા વધારે ચોપડા વેચવામાં આવતા હોય છે. જેમાં વિક્રમ સવંતવાળા તારીખ અને તિથિ સહિતના ચોપડાનું વેચાણ વધ્યું છે. નવા ચોપડા લોકો મુખ્યત્વે પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળીના દિવસે એમ વર્ષમાં માત્ર આ ત્રણ દિવસે વધારે ખરીદી કરતા હોય છે. જ્યારે હિન્દુ ધર્મમાં દિવાળીને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. ત્યારે આ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પણ ચોપડાની ખરીદી કરતા હોય છે. હાલમાં આધુનિક યુગ છે અને ભલે લોકોનો તમામ વેપાર ઓનલાઇન પણ હોય પરંતુ તેઓ એક શુકન સાચવવા માટે ચોપડા પૂજન કરતા હોય છે.
- ચોપડાની સાથે લેપટોપ, 1000થી વધુ વેપારીઓએ કર્યું ચોપડા પૂજન
- દિવાળીના દિવસે લક્ષ્મી, સરસ્વતી અને ગણેશ પૂજન ઉપરાંત ઘણો મહિમા