ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના દિલીપ સખીયાને પાણી બચાવો અભિયાન માટે મળ્યો જળપ્રહરી એવોર્ડ, કર્યું છે ખૂબ મોટું કાર્ય - પાણી બચાવો અભિયાન

પાણીની સમસ્યા નિવારણ માટે વ્યક્તિગત ધોરણે મોટી કામગીરી કરનાર દિલીપ સખીયાને જળ પ્રહરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ ગીરગંગા ટ્રસ્ટના નેજા હેઠળ સૌરાષ્ટ્રના અલગ અલગ નાના ગામડાઓમાં આવેલા તળાવો, ચેકડેમો અને સરોવરોને રીપેર તેમજ નવા બનાવવાનું કામ કરી રહ્યા છે

રાજકોટના દિલીપ સખીયાને પાણી બચાવો અભિયાન માટે મળ્યો જળપ્રહરી એવોર્ડ, કર્યું છે ખૂબ મોટું કાર્ય
રાજકોટના દિલીપ સખીયાને પાણી બચાવો અભિયાન માટે મળ્યો જળપ્રહરી એવોર્ડ, કર્યું છે ખૂબ મોટું કાર્ય

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 5:59 PM IST

ગીરગંગા ટ્રસ્ટના નેજા મોટું કામ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જો સૌથી મોટી સમસ્યા હોય તો તે પાણીની સમસ્યા છે. એક તરફ સૌરાષ્ટ્રમાં લોકોને ઉનાળા દરમિયાન દર વખતે પીવાના પાણીના માટે વલખા મારવા પડતાં હોય છે. એવામાં ખેડૂતોને સિંચાઈ માટે કેવી રીતના પાણી મળશે તેવા પણ પ્રશ્નો ઉભા થતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની પાણીની સમસ્યાને મહદઅંશે દૂર કરવા માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયા દ્વારા પાણી બચાવો અભિયાનની કામગીરીને વધાવવામાં આવી છે.

જળ પ્રહરી એવોર્ડ એનાયત : આ અભિયાનમાં તેઓ સૌરાષ્ટ્રના અલગ અલગ નાના ગામડાઓમાં આવેલા તળાવો, ચેકડેમો અને સરોવરોને રીપેર તેમજ નવા બનાવવાનું કામ કરી રહ્યા છે. જ્યારે પાણી માટે આ પ્રકારની અનોખી કામગીરી માટે દિલીપ સખિયાને જળ પ્રહરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 125થી વધુ ડેમોનું નિર્માણ : દેશભરમાં જળસંચય ક્ષેત્રે કામ કરતા અલગ અલગ લોકોને દર વર્ષે કેન્દ્ર સરકારના જળ મંત્રાલયના સહયોગથી આ જળ પ્રહરી એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષનો એવોર્ડ રાજકોટના ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાને મળ્યો છે. ત્યારે આ અંગે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખિયાએ ETV BHARAT સાથેની વાતચીત કરી હતી.

અમારી સંસ્થાનું મુખ્ય કાર્ય છે પાણી બચાવો અભિયાન, જ્યારે પાણીની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની ધરતી ઉપર અલગ અલગ જિલ્લાઓમાં વરસતા વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે. આ પાણી દરિયામાં વહી ન જાય અને ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે ચેકડેમનું નિર્માણ જે તે સમયે સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ તેની સ્થિતિ ખૂબ જ દયનીય હતી. જેના કારણે આ ચેક ડેમોને રીપેરીંગ કરવા તેમજ ઊંડા કરવા અને જરૂર જણાય તો તેને ત્યાં નવા ચેકડેમ બનાવવાનું કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેની નોંધ કેન્દ્ર સરકારના જળ મંત્રાલય દ્વારા લેવામાં આવી હતી અને આ વર્ષે ગીર ગંગા ટ્રસ્ટને જળ પ્રહરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે... દિલીપ સખિયા ( ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ )

ચેકડેમ મામલે અનેક વખત કરી હતી સરકારને રજૂઆત : દિલીપ સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે હું એક ખેડૂત પુત્ર છું જ્યારે હું ખેડૂત પુત્ર હોવાથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓને મુલાકાત લેતો હોઉં છું. જે દરમિયાન અમારી સામે વારંવાર ખેડૂતોનો જો કી સૌથી મોત પ્રશ્ન હોય તો તે પાણીનો હતો. જ્યારે ખેડૂતોને પાણી સમયસર મળી જાય તો તેમના ઘણા બધા નાના મોટા પ્રશ્નો હલ થઈ જતા હોય છે. ત્યારે અમે ખેડૂતોના પાણીના પ્રશ્ને અનેક વખત સરકારને પણ રજૂઆત કરી હતી, પરંતુ સરકારની પણ મર્યાદા હોય જેના કારણે અમે લોક ભાગીદારીથી છેલ્લા બે વર્ષથી આ ચેકડેમ બનાવવાનું કામ ઉપાડ્યું છે. તેમજ અમારી સંસ્થાનું લક્ષ્ય રાજ્યમાં 11,111 ચેક ડેમ બનાવવાનું છે. અમે છેલ્લા બે વર્ષથી આ કામગીરી કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં અંદાજિત 125 જેટલા નાના-મોટા ચેક ડેમ બનાવ્યા છે જેમાં અંદાજિત રૂપિયા 5 થી 6 કરોડનો ખર્ચો થયો છે. જ્યારે હજુ પણ વધુમાં વધુ ચેકડેમો બને તે દિશામાં અમારી કામગીરી થઇ રહી છે.

બોર અને કૂવામાં પાણીના સ્તર ઉચા આવ્યા : પાણી બચાવો અભિયાનથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે. જ્યાં પણ નાના મોટા ડેમો તળાવો અને સરોવરોનું નિર્માણ થયું છે. ત્યાંના ખેડૂતોને તેનો ખૂબ જ ફાયદો મળી રહ્યો છે. આ સાથે જ આ વિસ્તારમાં જે બોર, કુવા અને તળાવો છે. તેમાં પણ પાણીના સ્તર ઊંચા આવ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની ધરતી ખૂબ જ પથરાળ અને કઠણ છે. જેના કારણે અહીંયા ગમે એટલો વરસાદ આવે તેનું પાણી વહીને દરિયામાં જતું રહે છે. જેને લઈને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં નાના-મોટા ગામોમાં ચેકડેમ તળાવ અને સરોવરોને ઊંડા કરવા તેમજ તેની રિપેર કરવા અને જરૂર જણાય ત્યાં નવા ચેકડેમ બનાવવાનું કામ શરૂ કર્યું છે અને તેનો ખૂબ જ ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે.

  1. અમરેલીમાં જળ ઉત્સવ 2023 નો પ્રારંભ, પ્રવાસનને વેગ આપવા 10 દિવસનું આયોજન
  2. જમીન અને પાણી જીવનનો સ્ત્રોત થીમ પર વિશ્વ જમીન દિવસની ઉજવણી

ABOUT THE AUTHOR

...view details