પોસ્ટરોથી હું ચલિત નથી થવાનોઃ પાડલીયા ધોરાજી : ધોરાજી શહેરના મુખ્ય માર્ગો પર રોડ રસ્તાની સમસ્યાઓથી પીડાયેલ લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરવા અનોખી પહેલ કરી છે. ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા ગાયબ થયા હોવાના પોસ્ટરો શહેરના મુખ્ય માર્ગો ઉપર લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. રસ્તાની અને પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે ધારાસભ્ય ગાયબ થઈ ચૂક્યા હોવાના બાબતને લઈને પોસ્ટરો લાગતા રાજકીય હડકંપ શરૂ થયો છે. તો બીજી તરફ ડો. મહેન્દ્ર પાડલીયાએ ગાયબ થયાની વાતને નકારી છે.
સુવિધાઓની માંગ સાથે અનોખી રીતે વિરોધ : રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકો રોડ રસ્તાઓ તેમજ પ્રાથમિક સુવિધાઓને લઈને અનેક માંગણીઓ, રજૂઆતો તેમજ પોતાનો રોષ મીડિયા સમક્ષ છેલ્લા ઘણા સમયથી વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ પોતાની પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓની માંગ સાથે અનોખી રીતે વિરોધ કરી ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા છેલ્લા આઠ મહિનાથી ગાયબ થઈ ચૂક્યા હોવાના પોસ્ટરો લાગ્યા છે.
ઉબડખાબડ રસ્તાથી પરેશાન પ્રજા: આ સાથે પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, ભાજપના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા ગાયબ થઈ ચૂક્યા છે. ખોબલે ખોબલે મત આપ્યા હોવા છતાં ધારાસભ્ય કેમ ગુમ ? તેવા પ્રશ્નો પણ લખવામાં આવ્યા છે અને ઉબડખાબડ રસ્તાથી પરેશાન પ્રજાએ ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાને શોધે છે તેવું પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે.
કેટલાક વિઘ્ન સંતોષી લોકોએ આ પ્રકારના પોસ્ટરો લગાવ્યા છે. મને પ્રજાએ જવાબદારી આપી છે તે કામ હું સ્પષ્ટ રીતે કરી રહ્યો છું. આ પ્રકારના પોસ્ટરોથી હું ચલિત નથી થવાનો અને મારી પ્રજા પ્રત્યેની કામગીરી અવિરત કરવાનો છું.. મહેન્દ્ર પાડલીયા (ધોરાજીના ધારાસભ્ય)
રજૂઆતોનું પરિણામ નથી આવતું : રાજકોટ જિલ્લાની ધોરાજી વિધાનસભાની બેઠક ચૂંટણી સમયે ખૂબ જ ચર્ચામાં રહેલ બેઠક હતી. આ બેઠક પર ઉમેદવાર નક્કી થયા ત્યારથી લઈને ચૂંટણી જીત્યા ત્યાં સુધીની તમામ કામગીરીઓ બાદના પરિણામથી લોકો અચંબિંત થઈ ચૂક્યા છે. ધોરાજી-ઉપલેટા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પ્રજાના અનેક પ્રશ્નો દબાયેલા પડેલા છે. જેમાં પ્રાણ પ્રશ્નોથી લઈને પ્રાથમિક સુવિધાઓને લઈને લોકો અનેક રજૂઆતો કરે છે, પરંતુ આ તમામ રજૂઆતોનું પરિણામ નથી આવતું તેવું પણ ધોરાજી-ઉપલેટા વિસ્તારના લોકો અગાઉ પણ જણાવી ચૂક્યા છે.
પ્રજાના કામ કરવામાં જોડાયેલા કે ખોવાયેલા ધારાસભ્ય વિરુદ્ધના પોસ્ટરો લાગતા સમગ્ર વાતને ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડેલીયાએ નકારી કાઢી છે તો બીજી તરફ આ વિસ્તારના ઘણા પ્રાણ પ્રશ્નો માટે ધારાસભ્ય કોઈને મળતા ન હોવાની કે તેમની સાથે સંપર્ક ન થતું હોવાનું પણ લોકોએ જણાવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે ખરેખર ધારાસભ્ય પ્રજાના કામ કરવામાં જોડાયેલા છે કે પછી ખોવાયેલા છે તે તો પ્રજાના કામ થશે અને પ્રજા વચ્ચે ખરેખર રહેશે તો જ ખ્યાલ આવશે.
- Rajkot Rain : ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમના 6 દરવાજા ખોલાયા, પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને કરાયા એલર્ટ
- Rajkot News : ધોરાજી ઉપલેટાને જોડતો પુલ શરૂ થાય તે પહેલા છ માસમાં ત્રીજી વખત ગાબડાઓથી ભરપૂર
- ગુજરાત હાઇકોર્ટે ધોરાજી નગરપાલિકાની કાઢી ઝાટકણી, 9મી ડિસેમ્બરે થશે વધુ સુનાવણી